માંડવીમાં બંધ ઘરની બારી તોડી 40 હજારની ચોરી

copy image

copy image

માંડવીમાં બંધ ઘરની લાકડાંની બારી તોડી કબાટમાંથી ઘરેણા સહિત રૂા. 39,500ના મુદ્દામાલની ચોરી થતાં ફરિયાદ નોંધાવાઇ હતી. આ અંગે માંડવી પોલીસ મથકે કામિનીબેન જયેશભાઇ સોનીએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ નરસંગજી મંદિરની બાજુમાં લાખાસર ચોકમાં રહે છે, બાજુમાં તેમની નાની જે અવસાન પામ્યા છે, તેમનું ઘર આવેલું છે, જેની ચાવી તેઓ પાસે છે. આ મકાનમાં ફરિયાદીના માતાના સોનાં-ચાંદીના ઘરેણા તથા અન્ય વસ્તુઓ લાકડાંના કબાટમાં તેમજ ઘરવપરાશની વસ્તુઓ લોખંડની પેટીઓમાં રાખી હતી. આ બંધ મકાનમાં ફરિયાદી મહિનામાં બેવાર સાફ-સફાઇ કરવા જતા હતા. ગત તા. 25/7ના સાફ-સફાઇ કરી ઘર બંધ કર્યા બાદ તા. 28/7ના સોનાંની બંગડીની જરૂર જણાતાં મકાન ખોલતાં સામાન વેરવિખેર હતું અને ઘરની લાકડાંની બારી તૂટેલી હતી. કબાટમાંથી એક તોલા સોનાંની બંગડી કિં. રૂા. 30,000, ચાંદીની મૂર્તિ, ચુસણિયું, જૂના કેમેરા, ઘડિયાળ સહિતની ચીજવસ્તુઓ જેની કુલ કિં. રૂા. 39,500 કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી. માંડવી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.