ભચાઉના શખ્સ પાસેથી પૈસા લઇ વસ્તુ ન પહોંચાડતાં રાજકોટના વેપારી સામે ફરિયાદ
copy image

ભચાઉના એક વેપારીએ રાજકોટના વેપારી પાસેથી માલ મગાવી તેના એડવાન્સ પેટે રૂા. 3,30,000 ચૂકવી દીધા હતા છતાં માલ કે પૈસા પરત ન મળતાં રાજકોટના વેપારી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ભચાઉની સરસ્વતી સોસાયટીમાં રહેનાર ફરિયાદી મુકુંદ ભરત જોશી ગામમાં મા શક્તિ એન્ટરપ્રાઇઝ નામની કંપની ચલાવે છે. ગત તા. 1/5ના તે ધંધા અર્થે ગૂગલ સર્ચ એન્જિનમાં ઇન્ડિયા માર્ટ નામની વેબસાઇટ ઉપર એંગલ પટ્ટી હોલસેલમાં લેવા માટે સર્ચ કરી રહ્યા હતા ત્યારે ઇન્ડિયા માર્ટમાં ત્રિવેદી મેટલ કંપનીનું પેઇજ આવતાં ફરિયાદીના મેનેજરે આ કંપનીના માલિક પરેશ ત્રિવેદીના મોબાઇલ ઉપર સંપર્ક કર્યો હતો અને 10 ટન જી.આઇ. એંગલ પટ્ટીના ભાવ પૂછ્યા હતા. આરોપી પરેશ ત્રિવેદીએ કુલ ભાવ રૂા. 7,10,000 કહી એડવાન્સ પેટે રૂપિયાની માંગ કરી હતી, જેથી ફરિયાદીએ આર.ટી.જી.એસ. તથા આઇ.એમ.પી.એસ.થી રૂા. 3,30,000 આરોપીના ખાતામાં જમા કરાવી દીધા હતા અને બાકીની રકમ માલ મળે પછી આપવાનું કહ્યું હતું, પરંતુ માલ ન આવતાં ફરિયાદીએ વારંવાર ફોન કરી પોતે આપેલા પૈસા પરત આપવા માંગ કરી હતી, પરંતુ આરોપીએ વાયદા કર્યા હતા. અંતે માલ કે પૈસા પરત ન મળતાં બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.