કેરામાંથી કેફી પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો
copy image

ભુજ તાલુકાના કેરા ગામે ગાંજાના બંધાણી મુંદરાના બાબુભાઇ માલશીભાઇ મહેશ્વરી (ઉ.વ. 50)ને 218 ગ્રામ કેફી પદાર્થ ગાંજાના જથ્થા સાથે એસઓજીએ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એસ.ઓ.જી.ના હે.કો. ધર્મેન્દ્રસિંહ ગોહિલને બાતમી મળી હતી કે, કેરાથી ગજોડ જતા રોડ પર મહાદેવ મંદિર પહેલાં ગાંજાના જથ્થા સાથે ઊભો છે. આથી એસઓજીની ટીમે વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએથી મુંદરાના બાબુભાઇ માલશીભાઇ મહેશ્વરીને કેફી પદાર્થ ગાંજો 218 ગ્રામ જેની કિં. રૂા. 2180 અને એક મોબાઇલ કિં. રૂા. 500 તથા રોકડા રૂા. 4970 અને મોટરસાઇકલ કિં.રૂા. 65,000 એમ કુલે રૂા. 72,650ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આરોપી બાબુભાઇની પૂછતાછ કરતાં તે ગાંજાનો બંધાણી હોવાથી આ માલ બે દિવસ પહેલાં ગાંધીધામના કાર્ગો ઝૂંપડપટ્ટીમાંથી અજાણી વ્યક્તિ પાસેથી લઇ આવ્યાની કબૂલાત કરી હતી. આરોપી અને સહઆરોપી વિરુદ્ધ માનકૂવા પોલીસ મથકે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પી.આઇ. વી. વી. ભોલા, એ.એસ.આઇ. દિનેશભાઇ ગઢવી, હે.કો. ધર્મેન્દ્રસિંહ ગોહિલ, નરેન્દ્રસિંહ ઝાલા, ગોપાલભાઇ ગઢવી, રજાકભાઇ સોતા અને મહિપતસિંહ સોલંકી જોડાયા હતા.