ભચાઉમાં 435 લિટર શંકાસ્પદ ફિનોલ કેમિકલ સાથે એક શખ્સ પકડાયો
copy image

ભચાઉના માનસરોવરનગર વિસ્તારમાં આવેલી મદીના મસ્જિદ બાજુમાં બિલ કે આધાર પુરાવા વગર પોતાની પાસે રૂ.26,100 ની કિંમતનું 435 લીટર શંકાસ્પદ ૨૫ ફિનોલ કેમીકલ રાખનાર શખ્સની ધરપકડ કરી પુર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે કાયદેસર કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ટીમ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ભચાઉના માનસરોવર નગર વિસ્તારમાં મદિના મસ્જિદ પાસે જુનાવાડા રહેતા અનવર રમજુભાઇ હજામ પોતાના કબજામાં બિલ કે આધાર પુરાવા વગરનું શંકાસ્પદ ફિનોલ કેમિકલ રાખે છે. આ બાતમીના આધારે ત્યાં જઈ તપાસ કરતા અનવરના કબજામાંથી રૂ.26,100 ની કિંમતના 435 લીટર ફીનોલ કેમિકલનો શંકાસ્પદ જથ્થો બે બેરલ અને એક 35 લીટરના પ્લાસ્ટીકના કેરબામાં ભરેલો મળી આવતાં અનવરની ધરપકડ કરી રૂ.5,000 ની કિંમતના ઈલેક્ટ્રીક મોટર વાયર તથા હોર્સ પાઈપ સહિત 31,100 નો મુદ્દામાલ હસ્તગત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. અત્રે નોંધનીય છે કે ગાંધીધામ, ભચાઉ જેવા ઔદ્યોગિક વિસ્તારમાં આ પ્રકારની ચોરીઓ થતી હોવાનું અનેક વખત બહાર આવ્યું છે.