મીઠીરોહરમાં મીઠાના કારખાનામાંથી 4.25 લાખની મતાની ચોરી
ગાંધીધામ તાલુકાના મીઠીરોહર જી.આઇ.ડી.સી. પાછળ આવેલા મીઠાનાં કારખાનામાં લાગેલ વીજ ટ્રાન્સફોર્મર નીચે ઉતારી તસ્કરોએ તેમાંથી રૂા. 4,25,500ની કોઇલ-ઓઇલની તસ્કરી કરી હતી. ગાંધીધામ સંકુલ તથા આસપાસમાં આવેલા ઉદ્યોગોમાં ચોરીના બનાવો વધી ગયા છે જેના થકી ઉદ્યોગોની સુરક્ષાના મુદ્દા ફરી પાછા એકવાર બહાર આવ્યા છે. અગાઉ પણ અમુક કંપનીઓમાં લૂંટ સહિતના બનાવો બન્યા છે જે પૈકી અમુક ઉકેલાયા છે તો અમુક બનાવો પાછળ હજુ પણ પડદો ઊંચકાયો નથી ત્યારે આવા બનાવો પરથી પડદો ઊંચકવા માંગ ઊઠી છે. દરમ્યાન, મીઠીરોહર જી.આઇ.ડી.સી. પાછળ આવેલા કોટેશ્વર ઇન્ડસ્ટ્રીઝ નામના મીઠાનાં કારખાનામાં ગત તા. 15/8થી 16/8 દરમ્યાન ચોરીનો બનાવ બન્યો હતો. કારખાનામાં ઘૂસેલા તસ્કરોએ આખેઆખું વીજ ટ્રાન્સફોર્મર નીચે ઉતારી લીધું હતું અને તેમાંથી રૂા. 4,25,500ની કોઇલ તથા ઓઇલ કાઢી તેની ચોરી કરી નાસી ગયા હતા. તસ્કરોએ ચોરી કરતા અહીં જમીન ઉપર તેલ ઢોળાયું હતું. બનાવ અંગે કંપનીના સુપરવાઇઝર બાબુ મેઘા ચૈયા (આહીર)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ તસ્કરો ટ્રાન્સફોર્મર ઉતારવાના જાણકાર અને ચોરી કરવા કોઇ મોટું વાહન લઇને આવ્યા હોવાની આશંકાના પગલે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.