ભુજના સાતમ-આઠમનો મેળો લેનારા કોન્ટ્રાક્ટરને એક લાખનો દંડ

ભુજના સાતમ-આઠમના મેળાનો કોન્ટ્રાક્ટ લેનારાને નગરપાલિકાનાં વીજ જોડાણમાંથી સીધું જોડાણ લેવા બદલ એક લાખનો દંડ ફટકારાયો હતો. ભુજમાં હમીરસર કિનારે શરૂ થયેલા સાતમ-આઠમના મેળાનો કોન્ટ્રાક્ટ લેનારા કોન્ટ્રાક્ટરે નગરપાલિકાનાં વીજ જોડાણમાંથી કોઇ પણ જાતની પરવાનગી વિના ડાયરેક્ટ જોડાણ લઇ લીધું હતું. આ બાબતની જાણ થતાં સુધરાઇના મુખ્ય અધિકારીનું તથા વીજ શાખાના ચેરમેન કશ્યપ ગોરનું ધ્યાન દોરાતાં કોન્ટ્રાક્ટરને નોટિસ આપવા સાથે એક લાખનો દંડ ફટકારવા નક્કી કરાયું હતું. અત્રે નોંધનીય છે કે, મેળાનો કોન્ટ્રાક્ટ આપવા સમયે શરતોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો કે, વીજ જોડાણ કોન્ટ્રાક્ટરે લેવાનું રહેશે તેમ છતાં નગરપાલિકાનાં જોડાણમાં વીજ લાઇન જોડી વપરાશ કરાતાં હિતેન્દ્રસિંહ જાડેજા તથા લાઇટ શાખાના ઇન્જિનીયર વત્સલ ગુંસાઇ દ્વારા નોટિસ પાઠવવા તથા દંડ વસૂલવાની કામગીરી હાથ ધરાઈ હતી.