મોટા અંગિયાના યુવાનની બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઇજાનાં પગલે તેનું મોત નીપજ્યું
નખત્રાણા તાલુકાના મોટા અંગિયાના યુવાન મજીદ મામદ તુરિયાનું નાના અંગિયાની ગોલાઇ પાસે બાઇક સ્લીપ થઇ જતાં માથામાં ગંભીર ઇજાનાં પગલે તેનું મોત નીપજ્યું હતું. નખત્રાણા તાલુકાના મોટા અંગિયામાં રહેતા 32 વર્ષીય મજીદ મામદ તુરિયા સવારના 10.30 વાગ્યાના અરસામાં તેના કબજાની મોટર સાઇકલ લઇને જીવજંતુ મારવાની દવા ખરીદવા નખત્રાણા જવા માટે નીકળ્યા હતા, ત્યારે ભુજ-નખત્રાણા ધોરીમાર્ગ પર નાના અંગિયા ચકલી હોટેલ ગોલાઇ પાસે મોટર સાઇકલ સ્લીપ થઇ જતાં માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ધમધમતા માર્ગ પર સર્જાયેલી આ દુર્ઘટનાને લઇ લોકો એકત્ર થઇ ગયા હતા. ઘાયલ મજીદને લોહી નીંગળતી હાલતમાં સુરેશભાઇની બોલેરો ગાડી મારફત નખત્રાણાની આયુષ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર હેઠળ તેનું મૃત્યુ નીપજ્યું હતું. મજીદના ભાઇ ફિરોજે નખત્રાણા પોલીસ મથકે વિગતો જાહેર કરતાં મજીદ વિરુદ્ધ પૂરઝડપે અને બેદરકારીથી બાઇકને સ્લીપ ખવડાવી પડી જતાં માથામાં ગંભીર ઇજા પહોંચાડી પોતાનું મોત નીપજાવ્યાની ફરિયાદ લખાવી હતી.