વડવાકાંયા પાસે પાણીના પ્રવાહમાં બે શ્રમિક તણાયા
નખત્રાણા તાલુકાના વડવાકાંયા ગામ સમીપે વરસાદી પાણીના પ્રવાહમાં બે ખેતમજૂરો તણાતા ભારે દોડધામ મચી હતી. આ ઘટનામાં પાણીમાં તણાયેલા બે ખેતમજૂરો પૈકી એકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે લાપતા બનેલા બીજા શ્રમિકની શોધખોળ જારી હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. ગઢશીશા પંથક પાસે આવેલ નખત્રાણા તાલુકાના વડવાકાંયા ગામ સમીપે આવેલ આશાપુરા માતાજી નજીકની નદીના પ્રવાહમાં સોમવારના ભારે વરસાદના કારણે નદીના પાલર પાણીના પ્રવાહમાં પરપ્રાંતીય ખેતમજૂર તરીકે કામ કરતા બે યુવાનો પરમાર ઠાકોરભાઇ (ઉ.વ.32) તથા કનુભાઇ નાયક (ઉ.વ.41) બંને પોતે જ્યાં ખેતમજૂર તરીકે કામ કરતા હતા તે વાડી તરફ જઇ રહ્યા હતા ત્યારે નદીમાં પાણીના પ્રવાહનો અંદાજો નહોતાં તેમાંથી નીકળવા પ્રયાસ કરતા તણાઇ ગયા હતા. જેમાંના પરમાર ઠાકોરભાઇના મૃતદેહ મળી આવેલ હતો, જ્યારે કનુભાઇ નાયકની શોધખોળ હજી ચાલી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. મૃતકના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી નખત્રાણા પીએસઆઇ શ્રી દેગળિયાના માર્ગદર્શન હેઠળ મંગવાણા ઓ.પી.ના મીત પટેલ તથા વિજય રાવલ કરી રહ્યા છે. આ બનાવના પગલે વિસ્તારમાં લોકોને પાલર પાણીથી દૂર રહેવા સૂચના આપવામાં આવી હતી.