લાખોંદ નજીક ચંદ્રુઆ ડુંગરમાં કાર સાથે તણાઈ જતાં યુવાનનું મોત
કચ્છમાં તણાઈ જવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ભુજ તાલુકાના લાખોંદ પાસે ચંદ્રુઆ ડુંગર પાસે સ્વિફ્ટ કાર તણાતાં ત્રણ યુવાન બહાર નીકળી જતાં તેઓના જીવ બચી ગયા હતા, પરંતુ લાખોંદનો 32 વર્ષીય જયદીપ નારણ બરાડિયા કાર સાથે તણાઈ જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લાખોંદના ચાર મિત્ર સ્વિફ્ટ કાર લઈ ચંદ્રુઆધામ ગયા હતા અને સાંજે છ વાગ્યાના અરસામાં ચંદ્રુઆધામથી પરત લાખોંદ આવી રહ્યા હતા, ત્યારે ચંદ્રુઆ ડુંગરનાં પાણીનાં નાળાંમાં કાર તણાઈ હતી. કારમાં સવાર ચાર પૈકી ત્રણ શખ્સ ગમે તે રીતે બહાર નીકળી ગયા હતા, જ્યારે જયદીપ કાર સાથે જ તણાઈ ગયો હતો. કાર તણાયાના સમાચાર તુરંત ફેલાઈ જતાં કાર અને જયદીપની શોધખોળમાં લાખોંદના યુવાનો અને પદ્ધર પોલીસ જોડાઈ હતી. નાળાંમાં ડૂબેલી કાર સાથે જયદીપ પાણીમાં ગરક થઈ ગયો હતો, જેને યુવાનોએ રસ્સો બાંધી બહાર કાઢી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે મૃતક જયદીપના પિતાએ વિગતો જાહેર કરી હતી.