નખત્રાણાના કોટડા (જ.)માંથી પંપ તફડાવનારા રીઢા ચોરને પોલીસે ઝડપી પાડ્યો
copy image

નખત્રાણા તાલુકાના કોટડા (જ.) ગામના પ્લોટની ઓરડીનું તાળું તોડી તેમાંથી રૂા. 11 હજારની કિંમતના પાણીના પંપની ચોરી કરનારા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો. આ અંગે કોટડા (જ.)ના ખેડૂત દીપક રમણીકલાલ ભગત (પટેલ)એ નખત્રાણા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ તેમની દેખરેખ હેઠળના વંદે ભારત સોસાયટીના પ્લોટમાં બનાવેલી ઓરડીનું ગત તા. 2/9ના સાંજથી બીજા દિવસની સવાર સુધી દરવાજાનું તાળું તોડી કોઇ અજાણ્યો ઇસમ તેમાંથી કિસાન કિંગ કંપનીનો ફાઇવ એચપી ગેસોલાઇન પાણીનો પંપ કિં. રૂા. 11,000ની ચોરી કરી ગયો હતો. દરમ્યાન નખત્રાણા પોલીસે બાતમીના આધારે શકમંદ સુરેશ ઉર્ફે શની રામજી જેપાર (રહે. મફતનગર – કોટડા જ.)ને રાઉન્ડઅપ કરી પૂછતાછ કરતાં તેણે ચોરી કબૂલી લીધી હતી. મુદ્દામાલ રિકવર કરી કાર્યવાહી કરી હતી. સુરેશ વિરુદ્ધ નખત્રાણા પોલીસ મથકે પાંચ ચોરીના ગુના નોંધાયેલા હતા.