મુંદરાના બાબિયા પાસે બે ટ્રકના અકસ્માતમાં એક ચાલકનું મોત : એક સારવાર હેઠળ
મુંદરા તાલુકાના બાબિયા પાસે બે ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ટ્રકચાલક બિહારના વિરાજકુમાર નરેન્દ્રપ્રસાદ ગુપ્તા (ઉ.વ. 38)નું ગંભીર ઇજાના પગલે મૃત્યુ નીપજયું હતું, જ્યારે સામેવાળી ટ્રકનો ચાલક ઘાયલ થતાં સારવાર હેઠળ ખસેડાયો હતો. મુંદરાના બાબિયાથી આગળ ભુજના ધોરીમાર્ગ પર પૂનમ પેટ્રોલપંપ પાસે રાતના 10 વાગ્યાના અરસામાં બે ટ્રક વચ્ચે સામસામી જોરદાર ટક્કર થઇ હતી, એક ટ્રકચાલક વિરાજકુમારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે સામેની ટ્રકમાંના રાહુલસિંહ ચંદ્રસિંહ ચૌહાણ (રહે. નરા) ઘાયલ થતાં તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાગપર પોલીસ મથક ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી. દરમ્યાન, રાતે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે બાબિયાના ઉપસરપંચ યુવરાજસિંહ પ્રવીણસિંહ વાઘેલા, શક્તિદાન ગઢવી, પૃથ્વીરાજસિંહ વાઘેલા તાબડતોબ પહોંચી આવ્યા હતા અને મદદરૂપ બન્યા હતા.