વડવા ભોપા ગામમાં સાત મંદિરો અને એક દુકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું
નખત્રાણા તાલુકાના વડવા ભોપા ગામે તસ્કરોએ તરખાટ મચાવી સાત મંદિર અને એક દુકાનને નિશાન બનાવતાં પંથકમાં રોષ વ્યાપ્યો હતો તેમજ તસ્કરોને ઝડપવા પોલીસને સહકાર આપીને સંગઠિત બનીને લોકજાગૃતિ સાથે કામ કરવાનોય ધમધમાટ શરૂ થયો હતો. આ બનાવ અંગે વડવા ભોપાના દેવાભાઈ વંકાભાઈ ભોપા (રબારી)એ નખત્રાણા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ તા. 27/9ના રાતના 12 વાગ્યાથી બીજા દિવસે સવાર સુધીમાં અજાણ્યા શખ્સોએ ગામના સાતેક જેટલા મંદિરમાંથી સોનાં-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ એમ કુલ રૂા. 62,700ની મતાની ચોરી કરી હતી. આ ઉપરાંત સાહેદ સાજણભાઈ રબારીની દુકાનમાં પણ તસ્કરોએ ખાતર પાડી ત્યાંથી રોકડ અને સરસામાન મળી રૂા. 5500ના મુદ્દામાલની ચોરી કરી હતી. આમ કુલ રૂા. 68,200ની મતાની અલગ-અલગ મંદિરો તથા દુકાનમાંથી ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ અશોક એમ. મકવાણા તથા પીએસઆઈ આર.ડી. બેગડિયાનાં માર્ગદર્શન હેઠળ હે.કો. વિજયભાઈ રાવલ તથા અમિતભાઈ પટેલ તપાસ ચલાવી રહ્યા છ. વાંકોલ મા, ગોગા બાપા, ધુબળી મહાદેવ સહિત અન્ય મંદિરો તથા દુકાનનાં તાળાં તોડી તસ્કરોએ રીતસરની લૂંટ મચાવતાં ગ્રામજનોમાં રીતસરનો રોષ ભભૂકી ઊઠયો હતો. વિવિધ સ્થળોએ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસાયા હતા, પરંતુ તસ્કરોના ચહેરા ઓળખી શકાયા નથી. ગામ અને વિસ્તારના આગેવાનો તથા યુવાનોએ બેઠક કરી હતી. સંગઠિત બની આ કામને અંજામ આપનારાઓ સુધી પગેરું દબાવા અને તપાસમાં પોલીસને સહકાર આપવા નિર્ણય હતું.