ભુજના ચકચારી કેસમાં મકાનમાં આગ લગાડીને વ્યથા પહોંચાડવાના ત્રણેય આરોપી નિર્દોષ
ભુજમાં મકાનમાં આગ લગાડીને તેમાં રહેતી વ્યક્તિઓને વ્યથા પહોંચાડવાના જાન્યુઆરી-2023ના ચકચારી કિસ્સામાં અદાલતે ત્રણ આરોપીને નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો. ઊલટતપાસમાં સાક્ષીઓનાં નિવેદનમાં જોવા મળેલા વિરોધાભાસને કેન્દ્રમાં રાખીને આ ચુકાદો અપાયો હતો, ભુજમાં ગણેશનગર વિસ્તારમાં શારીરિક હુમલો કરવા સાથે ઘરમાં આગ લગાડીને વ્યથા પહોંચાડવાનો ફોજદારી ગુનો દાખલ કરાયો હતો. આ કેસમાં તમામ ત્રણેય આરોપી વિવેકગર ભગવાનગર ગોસ્વામી, નિશા અશ્વિન ગજ્જર અને પુષ્પાબેન ભગવાનગર ગોસ્વામીને નિર્દોષ ઠેરવતો ચુકાદો અત્રેની ચીફ કોર્ટએ સુનાવણીના અંતે આપ્યો હતો. અત્રેની ચીફ કોર્ટ સમક્ષ હાથ ધરાયેલી સુનાવણી દરમ્યાન બાર સાક્ષીઓ અને છ દસ્તાવેજી પુરાવા તપાસાયા હતા. ઊલટતપાસ દરમ્યાન વિવિધ સાક્ષીઓનાં નિવેદનમાં અતિશ્યોક્તિ સાથેનું કથન અને મહત્ત્વનો વિરોધાભાસ જણાતાં તેને કેન્દ્રમાં રાખીને બનાવને સાંકળતો પુરાવો નીકળતો ન હોવાનાં તારણ સાથે ત્રણેય આરોપીને નિર્દોષ ઠેરવાયા હતા. આ કેસમાં આરોપીઓ વતી વકીલ તરીકે સંતોષાસિંહ આર. રાઠોડ, ચિન્મય એચ. આચાર્ય અને રોહિત એમ. મહેશ્વરી રહ્યા હતા.