કોડાય નજીક એક લાખનો દેશી દારૂ ભરી આવતી બોલેરો ઝડપાઇ
કોડાય પોલીસે બાતમીના આધારે કોડાય નજીક એક લાખનો દેશી દારૂ ભરીને આવતી બોલેરો જીપ સાથે એક ઈસમને ઝડપી દેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પેટ્રોલિંગ દરમ્યાન પ્રાપ્ત થયેલી બાતમીના અનુસંધાને કોડાયના ગુરુકુળ પાસે કોડાય પોલીસ વોચમાં હતી, ત્યારે બાતમીવાળી નંબર પ્લેટ વિનાની બોલેરો જીપ માંડવી તરફથી આવતી દેખાતાં તેને રોકી દરોડો પાડયો હતો. આ સફળ દરોડામાં દેશી દારૂ ભરેલા 20 લિટરના 27 કેરબા 540 લિટર કિં. રૂા. 1,08,000 અને બોલેરો ગાડી કિં. રૂા. 2.50 લાખ અને એક મોબાઇલ ફોન કિં. રૂા. 1500 એમ કુલે રૂા. 3,59,500ના મુદ્દામાલ સાથે ચાલક-આરોપી મહેન્દ્ર વાલજી ગઢવી (મૂળ રહે. સિંધોડી-તા. અબડાસા હાલે માંડવી)ની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમ્યાન મહેન્દ્રએ જણાવ્યું હતું કે, આ દેશી દારૂ ભરેલી બોલેરો તેને કાઠડાના પરેશ દેવાંગ ગઢવીએ શિરવાથી માંડવી જતા રોડ પર આપી હતી અને ભુજપુર નજીક પહોંચ ત્યારે ફોન કરવા જણાવ્યું હતું. આમ કોડાય પોલીસે મહેન્દ્ર અને પરેશ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ સફળ કામગીરીમાં કોડાય પી.આઇ. એચ.એમ. વાઘેલાની સૂચનાથી પીએસઆઇ વી. જી. પરમાર તથા હેડ કોન્સ. હરચંદભાઇ કે. પટેલ, પૃથ્વીરાજસિંહ એસ. વાઘેલા, વિપુલભાઇ એ. પરમાર, કોન્સ. લક્ષ્મણ પી. ગઢવી, કિશોરસિંહ કે. જાડેજા, નીતેશભાઇ એચ. ચૌધરી, વિપુલભાઇ જે. બાંભણિયા તથા દિનેશભાઇ કે. પટેલ જોડાયા હતા.