આદિપુર-ગાંધીધામ સંકુલમાં નશેડીઓથી લોકો ત્રસ્ત
copy image

આદિપુર-ગાંધીધામ સંકુલમાં છેલ્લા કેટલાક સમયથી દેશી-અંગ્રેજી શરાબ સાથે અન્ય માદક પદાર્થો પણ વેચાઈ રહ્યા છે, જેનો નશો કરી યુવાઓ આર્થિક તેમજ શારીરિક રીતે બરબાદ થઈ રહ્યા રહયા છે. જાણવા મળી રહ્યું છે કે, શહેરના રમતગમત મેદાનમાં દરરોજ દારૂડિયાઓ પીને બોટલો ફેંકી જતા હોય છે તેમજ અહીં ઈન્જેકશનો લઈને યુવાનો તથા કિશોરો બેશુદ્ધ થઈ જતા હોય છે. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કાર્ગો, કિડાણા, ગુ. હા. બોર્ડ, ખોડિયારનગર, ભારતનગર, સુંદરપુરી, 400 કવાર્ટર, રેલવે મથક બહાર- અંદર, એસ. ટી. સ્ટેન્ડ, પોલીસવડાની કચેરી નજીક, આદિપુરમાં મુંદરા સર્કલ, રાજવી ફાટક, જી.આઈ.ડી.સી., અંતરજાળ વગેરે વિસ્તારોમાં દેશી સાથે અંગ્રેજી શરાબ મળતો હોવાનું ખૂબ ઝડપી વેગે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ગાંજો પિવા કે નશો કરવા પાનની લારીએ કેપ્ટન મોગો નામની ભૂંગળી, રેપર વગેરે નુકશાનદઈ વસ્તુઓ અવર્ણવાર આ વિસ્તારોમાં જોવા મળતી હોય છે. હદ પારની વાત છે કે, અમુક યુવાનો અને કિશોરો તેનાથી આગળ નીકળીને ઈન્જેકશનો થકી નશો કરતા થઈ ગયા છે.જે આપણાં માટે શરમજનક વાત છે. વધુમાં શહેરના રમતગમત સંકુલમાં દરરોજ સવારે યુવાનો ક્રિકેટ રમવા કે વોકિંગ કરવા, કે રન્નિંગ કરવા માટે આવે છે. ત્યારે ક્રિકેટની પીચ પર રાત્રે દારૂ પીને પિયક્કડો બોટલો વગેરે કચરો કરી જતા હોય છે. રમત ગમતના ખુલા મેદાનમાં આવા તત્ત્વો આવતા હોવાથી સાંજના ભાગે મહિલાઓને વોકિંગ કરતા પણ બીક લાગતી હોવાનું જાહેર જનતા દ્વારા જાણવા મળેલ છે.આવા બેશરમ તત્વોને પોલીસના હવાલે કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.