ગાંધીધામમાં એક ગોદામમાથી 1.82 લાખના જીરુની તસ્કરી કરી નિશાચરો થયા ફરાર

copy image

copy image

ગાંધીધામમાં એક ગોદામમાથી 1.82 લાખના જીરુની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર નિશાચરોએ ગાંધીધામના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલા એક ગોદામને નિશાન બનાવી તેમાંથી રૂા. 1,82,000ની જીરુંની 28 બોરી પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા. શહેરના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં સેક્ટર-12, પ્લોટ નંબર છ-એ, એક્સેલ ગોદામના ગોદામ નંબર સાતમાં એમ.આર. એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા જીરું, વરિયાળી, ધાણા રાખવામાં આવે છે અને માંગ પ્રમાણે આ માલને વિદેશમાં મોકલવામાં આવે છે.નોંધાવેલ ફરિયાદ અનુસાર આ ગોદામમાંથી ગત તા. 9/10ની મધ્ય રાત્રિ દરમ્યાન આ ચોરીને અંજામ આપવામાં આવેલ છે.  ગોદામ પાછળ દીવાલમાં આવેલી લોંખડની બારીના સળિયા કાપી નિશાચરો આ બંધ ગોદામમાં ઘૂસ્યા હતા અને અહીં પડેલી જીરુંની બોરીઓમાંથી 28 બોરી ઉઠાવી લીધી હતી. આ શખ્સો અહીંથી 25 કિલોની એક એવી 28 બોરી કિંમત રૂા. 1,82,000ના જીરુંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાદમાં બોરીઓની ગણતરી કરતાં બોરીઓ ઓછી હોવાનું સામે આવેલ હતું જેથી CCTV તપાસ કરતાં સમગ્ર હકીકત સામે આવી હતી. પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.