ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, કચ્છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તાર જેવા કે જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીઓ વગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી આ તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્થળે કેટલાક વ્યક્તિઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદેસર પ્રવૃતિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યક્તિ, ઈસમો પ્રવૃતિ કરી રહેલા હોવાનું જણાઈ આવેલું છે. આવો ઈરાદો રાખતા વ્યક્તિઓને પ્રવેશ પર પ્રતિબંધ છે.
શ્રી મિતેશ પંડ્યા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજ ગુજરાત પોલીસ અધિનિયમ સને ૧૯૫૧ની કલમ-૨૨માં અધિનિયમની કલમ-૩૭(૩) અન્વયે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીઓ તેમજ જયાં રોજે રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય તેવી અન્ય તમામ સરકારી જિલ્લાની કચેરીઓમાં પોતાના સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વ્યાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળકી, કચેરીમાં આવતી જાહેર જનતા અરજદારને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અને અધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યક્તિઓ/ઈસમોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.
સમગ્ર કચ્છ જિલ્લામાં જાહેરનામાનો અમલ તા.૧૦/૧૧/૨૦૨૪ સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-૧૩૫ની પેટા કલમ-૩ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.