ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વરની મહિલાએ નદીમાં મોતની છલાંગ લગાવી, સ્થાનિક નાવિકોએ મહિલાનો જીવ બચાવી સુરક્ષિત બહાર કાઢી
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વરની મહિલાએ નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે સ્થાનિક નાવિકોએ મહિલાનો જીવ બચાવી તેને સુરક્ષિત બહાર કાઢી હતી.
ભરૂચ અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ સ્યુસાઇડ પોઇન્ટ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગતરોજ ફરી એક મહિલાએ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. દિવાળીના તહેવાર સમયે એક મહિલા નર્મદા મૈયા બ્રીજના અંકલેશ્વર તરફના છેડે પહોંચી હતી અને ત્યાંથી બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. આ દ્રશ્યો સ્થાનિક નાવિકોએ જોતા મહિલાનો જીવ બચાવ્યો હતો અને તેને સુરક્ષિત નદીમાંથી બહાર કાઢી હતી.
આ બનાવની જાણ થવાની સાથે જ અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. મહિલા અંકલેશ્વર જીઆઇડીસીમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે. મહિલાએ પારિવારિક કારણોસર અંતિમવાદી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે પરંતુ આ મામલે અંક્લેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
રિપોર્ટર:- કેતન મહેતા, અંક્લેશ્વર