ભરૂચ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડને રોકવા માટે આગામી ૧૦ નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરવામાં આવ્યું

ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં કામ કરતાં પરપ્રાંતિય શ્રમિકો દિવાળીનું પર્વ ઉજવવા માટે વતનની વાટ પકડી રહયાં છે ત્યારે રેલવે સ્ટેશન અને એસટી ડેપો પર મુસાફરોની ચહલપહલ વધી છે. ઉઘના સ્ટેશનની જેમ ભરૂચમાં પણ ભીડ થતી રોકવા માટે 10 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવાયું છે. ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, વિલાયત, સાયખા સહિતની જીઆઇડીસીઓમાં કામ કરતાં શ્રમિકો વતનમાં જઇ રહયાં છે. ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશન પર મુસાફરો તથા તેમને મુકવા આવતાં લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહયો છે. ભરૂચ સ્ટેશન ખાતે હાલ 10 હજાર જેટલા મુસાફરો આવી રહયાં છે. પ્લેટફોર્મ ટિકિટ ફરજિયાત હોવાથી લોકો ટિકિટ લઇને પ્લેટફોર્મ પર જાય છે. મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખી પૂર્વ અને પશ્ચિમ તરફ બે કાઉન્ટર અને બે શિફ્ટ વધુ કાર્યરત કરાઈ છે. જ્યાં રાઉન્ડ ધ કલોક સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. ભરૂચ સ્ટેશન પરથી રેગ્યુલર 150 ટ્રેનો અને વિકલી મળી 180 થી વધુ ટ્રેનના સ્ટોપેજ છે. ભીડભાડને રોકવા માટે જીઆરપી અને આરપીએફનો સ્ટાફ પણ 24 કલાક ફરજ પર છે. સ્લીપર કોચમાં વેઇટીગ અને અન રિઝર્વ મુસાફરોને દૂર રાખવા પણ કાર્યવાહી થઈ રહી છે. મુસાફરોને મુકવા આવતા 1200થી વધારે લોકોને પ્લેટફોર્મ પરથી દૂર રાખવા પ્લેટફોર્મ ટિકટનું વેચાણ 10 નવેમ્બર સુધી બંધ કરાયું છે. દિવાળીના તહેવાર પેહલા રોજ 400 પ્લેટફોર્મ ટિકટ વેચાતી હતી. જે બે ગણી થઇ જતા બિન જરૂરી ભીડભાડને ટાળવા આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, દિવાળી તથા છઠ્ઠપૂજાના તહેવારો માટે ઉત્તરપ્રદેશ અને બિહાર તરફ જતાં મુસાફરોની સંખ્યા સૌથી વધારે રહેતી હોય છે. મોટાભાગની ટ્રેનોના બુકિંગ હાઉસફૂલ હોવાથી જનરલ ડબ્બામાં ધસારો રહેતો હોય છે.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ