ભરૂચના ઝાડેશ્વર વિસ્તારના નર્મદા પાર્ક ઓવારા પર ઉત્તર ભારતીય શ્રધ્ધાળુઓ દ્વારા છઠ્ઠ પૂજા મહોત્સવની શરૂઆત કરાઈ

ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો તરફથી છેલ્લા 29 વર્ષથી છઠ્ઠ પુજાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસેના નર્મદા પાર્ક ઓવારા ખાતે દિનકર સેવા સમિતિ દ્વારા છઠ્ઠ પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
 વિવિધતામાં એકતા ધરાવતાં ભરૂચ જિલ્લામાં દરેક પ્રાંતના લોકો તેમના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરી સંસ્કૃતિને જીવંત અને ધબકતી રાખે છે.ભરૂચ શહેર અને જિલ્લામાં સ્થાયી થયેલાં ઉત્તર ભારતીય પરિવારો દિનકર સેવા સમિતિના નેજા હેઠળ 29 વર્ષ ઉપરાંતથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે નર્મદા તટ ખાતે છઠ્ઠ પુજાની ઉજવણી કરે છે.આ પુજામાં છઠ્ઠ વ્રતીઓ નદીના જળમાં ઉભા રહીને આઠમતા અને ઉગતા સુર્યને અર્ધ્ય અર્પણ કરે છે. જયાં જમીન સમથળ કરવા સાથે મંડપ સહિત પુજાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.
દિનકર સેવા સમિતિના પ્રમુખ ડૉ. જીતેન્દ્ર રાજપુતે જણાવ્યું હતું કે, ચાર દિવસીય છઠ્ઠપુજા ઉત્સવનો પ્રારંભ થયો છે નહાખા, છઠ્ઠીએ ખરના, સાતમીએ સંધ્યા અર્ધ્ય અને આઠમીએ ઉગતા સુર્યને પ્રાત:અર્ધ્ય સાથે પુજાનું સમાપન કરવામાં આવશે.વહીવટી તંત્રના સાથ-સહકારથી છઠ્ઠપૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.આ પુજામાં ભરૂચ જિલ્લાભરમાંથી 25 હજારથી વધુ ઉત્તર ભારતીય શ્રધ્ધાળુઓ ઉત્સાહ અને શ્રધ્ધાભેર ભાગ લે છે.ચાર દિવસીય કાર્યક્રમમાં સાતમી નવેમ્બરના સાંજથી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તરપ્રદેશના બલિયાની ભોજપુરી લોકગાયિકા સુનિતા પાઠક તેમજ તેમની ટીમ લોકગીતોની રમઝટ બોલાવશે.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ