ભુજ ખાતે આવેલ ઢોરી ગામના ખેતરમાંથી બે મહિલા સહિત છ પત્તાપ્રેમીઓ ઝડપાયા
ભુજ ખાતે આવેલ ઢોરી ગામના ખેતરમાં બે મહિલા સહિત છ પત્તાપ્રેમીઓને 94 હજારના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજ તાલુકાનાં ઢોરીમાં રહેતા મોહન પાંચા ચાડ નામનો શખ્સ ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરના શેઢા નજીક આવેલી ખુલ્લી જગ્યામાં બહારથી ખેલીઓ બોલાવી જુગાર રમાડી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા બે મહિલા સહિત છ ખેલીઓને ઝડપી પાડેલ હતા. પોલીસે પકડાયેલ જુગાર પ્રેમીઓ પાસેથી રોકડા રૂા. 73,900 તથા 21,000ની કિંમતના છ મોબાઈલ મળી કુલ રૂા. 94,900નો મુદ્દામાલ હસ્તગત કરી પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.