માંડવીમાં પાંચ વર્ષીય બાળકીને ટ્રેકટરે કચડી નાખતા બાળાનું મોત
માંડવીમાં પાંચ વર્ષીય બાળકીને ટ્રેકટરે કચડી નાખતા આ માસૂમ બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ બનાવને પગલે માહોલમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવી ખાતે આવેલ ભીંસરાથી વાડી વિસ્તાર બાજુ જતા માર્ગ પર આ બનાવ બન્યો હતો. અહી ટ્રેક્ટરે નાની સાઈકલથી રમતી પાંચ વર્ષીય માસૂમ બાળકી મિરલબેન ડોસાભાઇ ઉર્ફે દિનેશ ગઢવીને કચડી જીવ હણી લેતાં અરેરાટી વ્યાપી છે.આ બનાવ અંગે માંડવી પોલીસ મથકે રામજી કરશનભાઇ ગઢવી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ગત તા. 16/11ના સવારના અરસામાં ફરિયાદીની ભત્રીજી મિરલ નાનકડી સાઇકલથી રમી રહી હતી, તે દરમ્યાન પૂરપાટ આવતાં ટ્રેક્ટરનો પાછળનો ભાગ મિરલ પર ચડી જતાં માથામાં ગંભીર ઇજા થઇ હતી. ગંભીર ઇજાઓને પગલે આ બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરેલ હતી. આ મામલે ટ્રેક્ટરના ચાલક વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.