આદિપુરમાં આવેલી જનતા કોલોની નજીક રેલવે સ્ટેશન રોડ પર કચરાનો નિકાલ કરીને આગ લગાડવામાં આવતી હોવાથી  વૃક્ષોનો સોથ વળી ગયો

આદિપુરમાં આવેલી જનતા કોલોની નજીક રેલવે સ્ટેશન રોડ પર છેલ્લા કેટલાક સમયથી કચરાનો નિકાલ કરીને આગ લગાડવામાં આવતી હોવાથી  વૃક્ષોનો સોથ વળી જતાં તેમનો રંગ જ ફરી ગયો છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વૃક્ષગંગા અભિયાન અંતર્ગત  ગાયત્રી પરિવાર દ્વારા રેલવે સ્ટેશન રોડ પર એસજીએક્સ વિસ્તાર સામે  હજારો વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ હતું. બાદ આ વૃક્ષોમાં સમયાંતરે જાળવણી, પાણી છંટકાવ સહિતની કામગીરીથી ઝાડનો ઉછેર થતાં આ વૃક્ષો ઘટાદાર બની ચૂક્યા છે. પરંતુ જાણવા મળી રહ્યું છે કે, નગરપાલિકા દ્વારા કચરાનો નિકાલ કરવામાં ન આવતાં  છેલ્લા કેટલાક સમયથી આ વૃક્ષોની આસપાસ કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. જેને લીધે અમુક વ્યક્તિઓ કચરાનો નિકાલ કરવાને બદલે તેને આગથી બાળી દેતાં હોય છે. ત્યારે વૃક્ષો નીચે આગ લગાડવામાં આવતા ઝાડના થડ અને ડાળીઓ બળી ગઈ હતી. ત્યારે જાગૃત નાગરિકો દ્વારા વર્ષોથી ઉછેર કરવામાં આવતા અને 25-30 ફૂટ ઊંચા ઘટાદાર વૃક્ષોની જાળવણી કરવામાં પણ નીરસતા જોવા મળી રહી છે.