જિલ્લા માહિતી કચેરી ભુજ-કચ્છ અને ‘આર્ટ ઓફ લિવિંગ’ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી શિબિરમાં તણાવમુક્તિ અને માઈન્ડફૂલનેસ પર ભાર મુકાયો

પત્રકારોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સુખાકારીને ધ્યાને રાખીને જિલ્લા માહિતી કચેરી, ભુજ-કચ્છ અને ‘આર્ટ ઓફ લિવિંગ’ના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે ત્રણ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભુજની બેન્કર્સ કોલોની ખાતે આવેલા યોગ હોલમાં યોજાયેલી આ ત્રિ-દિવસીય શિબિરમાં જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો, કચેરીનો સ્ટાફ તેમજ તેમના પરિવારજનો બહોળી સંખ્યામાં સહભાગી થયા હતા. આ શિબિરમાં ‘આર્ટ ઓફ લિવિંગ’ના તાલીમબદ્ધ યોગ પ્રશિક્ષકો દ્વારા આસન, પ્રાણાયામ, ધ્યાન અને માઈન્ડફૂલનેસની સરળ તકનીકોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પત્રકારોની દૈનિક કામગીરી દરમિયાન સર્જાતા માનસિક તણાવને દૂર કરી તેમની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે યોગ કેવી રીતે મદદરૂપ સાબિત થઈ શકે છે તે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવાએ જણાવ્યું હતું કે, પત્રકારો દિવસ-રાત સમાજ સુધી સચોટ માહિતી પહોંચાડવાની મહત્વપૂર્ણ કામગીરી અદા કરે છે ત્યારે તેમના સ્વાસ્થ્યની કાળજી લેવી પણ અત્યંત આવશ્યક છે. આ ઉદ્દેશ્યને ધ્યાને રાખીને જ આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવાથી શરીર અને મન બંને સ્વસ્થ રાખી શકાય છે.
શિબિરના સમાપન પ્રસંગે તમામ સહભાગીઓએ યોગ થકી મળેલા લાભો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, આવા સ્વાસ્થ્યલક્ષી આયોજનો ભવિષ્યમાં પણ નિયમિતપણે થતા રહે તેવી અપેક્ષા સાથે તેઓએ આયોજકો અને ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.