પુનડી ખાતે ૮૦૦ વૃક્ષનાં વાવેતર સાથે પક્ષીઓ માટે ભોજનશાળાનું નિર્માણ કરાશે


માંડવી તા. ૨૬ : માંડવી તાલુકાના પુનડી ખાતે આરોગ્ય, જીવદયા અને ધાર્મિક તેમજ માનવસેવા ક્ષેત્રે યોગદાન આપનાર એસ.પી.એમ. પરિવાર દ્વારા ગામને નંદનવન બનાવવાનો સંકલ્પ કરાયો હતો. દાતા પ્રવીણ છેડા અને સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ તથા પુનડી સેવા ચેરિ. ટ્રસ્ટના સહયોગથી ૮૦૦ જેટલા વૃક્ષના વાવેતરનો પ્રારંભ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયો હતો. હાજર રહેલા સૌ મહેમાનો ના હસ્તે વિશાળ જગ્યા પર વૃક્ષના વાવેતર કરાયા હતા. કાર્યક્રમના મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સ્વાગત પ્રવચન સરપંચ મહેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા માંડવી મામલતદાર વિનોદભાઈ ગોકલાણી, રઘુભા જાડેજા, અજિતસિંહ જાડેજા, રાણશી ગઢવી, ગાંગજી દેઢિયા વિગેરેનું સન્માન કરાયું હતું. ધારાસભ્ય શ્રી દવેએ એસપીએમ પરિવારના પ્રવીણ છેડાના સામાજિક કાર્યોની પ્રશંસા કરતા પ્રકૃતિના જતન અને પ્રાકૃતિક ખેતી સાથે ગૌસંવર્ધન કરવા અપીલ કરી હતી. એસ.પી.એમ. ગ્રુપના મેનેજર નરેન્દ્રસિંહ જાડેજાએ દાતા પરિવાર દ્વારા થતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, એસ.પી.એમ. પરિવાર દ્વારા બે વર્ષ અગાઉ બે હજાર વૃક્ષનું વાવેતર કરાયું હતું અને વધુ ૮૦૦ વૃક્ષના વાવેતરથી આગામી સમયમાં પુનડી પક્ષીઓના આશ્રયસ્થાન સાથે પક્ષીઓની ભોજનશાળા બનશે. આ પ્રસંગે ડો. મૃગેશ બારડ, લખમીરસિંઘ, રામદેવસિંહ જાડેજા, પુરુષોતમ પટેલ, અજિતસિંહ જાડેજા, વિશાલ સાવલા, મુરજીભાઇ, ઘનશ્યામસિંહ જાડેજા, હંસરાજ મહેશ્વરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કીર્તિ ગોર અને આભારવિધિ નરેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.