કચ્છમાં ભૌગોલિક વૈવિધ્યનો ઉત્તમ ખજાનો જોવા મળે છે જેના લીધે આ જિલ્લો પ્રવાસનની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્ય સરકારશ્રીના સહયોગથી ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેનો લાભ લેવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે ૫ણ ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે. રણ ઉત્સવ વિસ્તારમાં આવતા પ્રવાસીઓ જાણતા-અજાણતા રણ વિસ્તારની અંદર પોતાના વાહનો લઈ જતા હોય છે જેના કારણે ઘણીવાર વાહનો ફસાઈ જતા તેમને રેસ્કયુ કરવાની ફરજ ૫ડે છે અને તેના લીધે સફેદ રણની સુંદરતા, સ્વચ્છતા, પર્યાવરણીય ૫રિસ્થિતિને નુકશાન થાય છે. આ ૫રિસ્થિતિના નિવારણ માટે અને સફેદ રણની સુંદરતા, સ્વચ્છતા, ૫ર્યાવરણીય ૫રિસ્થિતિ જાળવી રાખવા માટે સફેદ રણ અને તેને સંલગ્ન વિસ્તાર ખાનગી વાહનો માટે ''Restricted Zone'' તરીકે જાહેર કરવો જરૂરી જણાય છે.
જેથી, અમિત અરોરા, જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજ એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ કચ્છ જિલ્લાની હદમાં આવેલા ભુજ તાલુકાના ધોરડો રણ ઉત્સવ વિસ્તાર ખાતે સબરસ બસ સ્ટેશનથી વોચ ટાવર સુધીના વિસ્તારમાં તથા વોચ ટાવરની આસપાસના સફેદ રણ વિસ્તારમાં ખાનગી વાહનોના પ્રવેશ ઉ૫ર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો છે.
આ હુકમ/જાહેરનામામાંથી સરકારી ફરજ પરના વાહનો, ફાયર ફાઈટર/ઈમરજન્સી મેડીકલ સર્વિસીસ સંલગ્ન વાહનો, ૫રવાનગી આ૫વામાં આવેલા હોય તેવી બસો અને પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ, ભુજ/સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી, ભુજ અધિકૃત કરે તેવા વાહનોને મુક્તિ આપવામાં આવશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે. આ હુકમનો અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તા.૨૭/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.