છેલ્લા બે દાયકામાં ગુજરાતના ખેડૂતોને ૨.૧૫ કરોડ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું
જમીન એ ખોરાક, પાણી અને પોષણ માટેનો મુખ્ય સ્ત્રોત છે. એટલા માટે જ, મનુષ્ય જીવનને ટકાવી રાખવામાં જમીનનું મહત્વ અનન્ય છે. જમીનની ગુણવત્તા જાળવી રાખવા તેમજ જમીન સંરક્ષણની જરૂરિયાત અંગે લોકજાગૃતિ કેળવવા દર વર્ષે 5 ડિસેમ્બરને “વિશ્વ જમીન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ જમીન દિવસની ઉજવણી “જમીનની સંભાળ: માપ, દેખરેખ, વ્યવસ્થા” થીમના આધારે કરવામાં આવી રહી છે.
જમીન પર થતી ખેતી એ જીવસૃષ્ટિના આહારનો મુખ્ય સ્ત્રોત છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રદૂષણ, ખારાશ અને આડેધડ રસાયણોના ઉપયોગથી અનેક હેક્ટર ખેતી લાયક જમીન બંજર બની રહી હતી. ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ આ સમસ્યા ઉદભવી રહી હતી. આ સમસ્યાના સમાધાન માટે એક નવતર અભિગમના ભાગરૂપે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩-૦૪માં ‘સોઈલ હેલ્થ કાર્ડ યોજના’ અમલમાં મૂકી હતી. જમીન તંદુરસ્તીની અગત્યતાને પારખીને આ પ્રકારની અનોખી યોજના અમલમાં મૂકવા વાળું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું હતું.
કેવી રીતે બને છે સોઇલ હેલ્થ કાર્ડ?
ખેતી લાયક જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સોઇલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત નિયત પદ્ધતિથી ખેડૂતોના ખેતરમાંથી જમીનનો નમૂનો લઈને તેને પૃથ્થકરણ માટે જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે. જ્યાં, આ નમૂનાનું પૃથ્થકરણ કરી તેના આધારે સોફ્ટ્વેર આધારીત સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર કરવામાં આવે છે. આ કાર્ડમાં વિવિધ તત્વોનું પ્રમાણ દર્શાવવામાં આવે છે, જેના આધારે ખેડૂતોને જમીનમાં પ્રાપ્ત તત્વો માટે ક્યાં પ્રકારના અને કેટલા પ્રમાણમા ખાતરો વાપરવા, તેની ભલામણ સહ સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર કરી ખેડૂતોને વિનામૂલ્યે આપવામાં આવે છે. આવું કરવાથી ખેતરમાં નાખવામાં આવતા બિન જરૂરી કેમિકલયુક્ત ખાતરનો ઉપયોગ મર્યાદિત થાય છે.
સોઈલ હેલ્થ કાર્ડથી ખેતી ખર્ચ ઘટ્યો
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો પોતાની જમીનને ઓળખીને યોગ્ય માવજત અને યોગ્ય સારવાર આપી શકે તેમજ યોગ્ય સમયે યોગ્ય પાકનું આયોજન કરી શકે તે માટે સોઇલ હેલ્થ કાર્ડ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ લાભ મેળવી ગુજરાતના અનેક ખેડૂતોએ પોતાની બિન ખેતીલાયક જમીનને ખેતી લાયક બનાવી છે. જ્યારે, રસાયણોના જરૂરિયાત પ્રમાણે ઉપયોગથી ખેડૂતોનો ખેતી ખર્ચ પણ ઘટ્યો છે.
કુલ ૨.૧૫ કરોડ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ
આ યોજના અમલમાં આવી તેના પ્રથમ તબક્કામાં (વર્ષ ૨૦૦૩-૦૪ થી ૨૦૧૦-૧૧ સુધી) ગુજરાતના ૪૩.૦૩ લાખથી વધુ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કાના સોઇલ હેલ્થ કાર્ડમાં કુલ ૦૫ તત્વો (N, P, K, pH, EC) નું પ્રમાણ દર્શાવવામાં આવતું હતું. દ્વિતીય તબક્કામાં (વર્ષ ૨૦૧૧-૧૨ થી ૨૦૧૫-૧૬ સુધી) પણ રાજ્યના આશરે ૪૬.૯૨ લાખથી વધુ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા. દ્વિતીય તબક્કાના સોઇલ હેલ્થ કાર્ડમાં કુલ ૦૮ તત્વો (N, P, K, pH, EC, Fe, Cu, Zn)નું પ્રમાણ દર્શાવવામાં આવ્યું હતું.
ગુજરાતમાં મળેલી સફળતા બાદ વર્ષ ૨૦૧૫-૧૬માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં “સોઇલ હેલ્થ કાર્ડ યોજના” અમલમાં મૂકી હતી. જે અંતર્ગત તૃતીય તબક્કામાં (વર્ષ ૨૦૧૬-૧૭ થી અત્યાર સુધી) ગુજરાતના અધધ ૧.૨૫ કરોડથી વધુ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. તૃતીય તબક્કાના સોઇલ હેલ્થ કાર્ડમાં કુલ ૧૨ તત્વો (N, P, K, pH, EC, Fe, Cu, Zn, OC, S, B, Mn)નું પ્રમાણ દર્શાવવામાં આવે છે. જમીનના નમૂનાના પૃથ્થકરણ માટે અત્યારે ગુજરાતમાં કુલ ૨૧ જમીન ચકાસણી પ્રયોગશાળા તેમજ એક સૂક્ષ્મ તત્વ ચકાસણી પ્રયોગશાળા કાર્યરત છે.
ગુજરાતના મહત્તમ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવીને પોતાની જમીનનું પૃથ્થકરણ કરાવે તે જરૂરી છે. જેથી જમીન અને પાકની જરૂરિયાત અનુસાર જ રસાયણિક ખાતરનો ઉપયોગ થવાથી જમીનનું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી જાળવી રાખવામાં સફળતા મળશે. આ ઉપરાંત ગયા આધારિત અને રસાયણમુક્ત પ્રાકૃતિક કૃષિ પણ જમીનની તંદુરસ્તી જાળવી રાખવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.