ગાંધીધામમાં કારના હપ્તા ભરવા મુદ્દે ચાર શખ્સો દ્વારા એક યુવાન પર હુમલો
ગાંધીધામમાં કારના હપ્તા ભરવા મુદ્દે ચાર શખ્સો દ્વારા એક યુવાન પર હુમલો કરી દેવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે નીલેશ દિનેશ બાલાસરા દ્વારા પોલીસ મથકે નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી યુવાને વર્ષ 2022માં ફોર્ચ્યુનર કાર ખરીદી હતી જે માટે તેણે આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાંથી લોન કરાવેલ હતી. આ યુવાને નિયમિત લોનના હપ્તા ભરેલ છે પરંતુ ફરિયાદીના ઘરે લગ્નપ્રસંગ હોવાથી બે-ત્રણ હપ્તા ભરવામાં લેટ થઈ ગયેલ હતું. જે બાદમાં હપ્તા ભરી નાખ્યા હતા. ડિસેમ્બરનો હપ્તો બાકી રહેતાં બેંકવાળા ઉઘરાણી માટે ઘરે અને ફરિયાદીની ઓફિસ ગાંધીધામના સેકટર-1 વિસ્તારમાં આવેલ હતા. જાણવા મળી રહ્યું છે કે ગત દિવસે ફરિયાદી ઓફિસ આવી રહ્યો હતા તે દરમ્યાન અન્ય શખ્સે ફોન કરી લોનના હપ્તા મુદ્દે બોલાચાલી કરેલ હતી. બાદમાં ફરિયાદી ઓફિસ પહોંચતાં ત્યાં આરોપી શખ્સો આવેલ હતા અને ગાળાગાળી કરી ફરિયાદીને માથાંમાં હુમલો કરી દીધો હતો. ઉપરાંત ધોકા વડે પણ હુમલો કર્યો હતો. રાડારાડનાં પગલે અન્ય લોકો ભેગા થઈ જતાં વધુ મારમારી થતાં રોકાવ્યા હતા. આ હુમલામાં ઘાયલ થયેલ આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.