ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ તા. ૨૪થી ૨૬ ડિસેમ્બર ૨૦૨૪ સુધી કચ્છના અભ્યાસ પ્રવાસે
ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના સભ્યો આગામી તા.૨૪ થી તા.૨૬ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ અંતર્ગત કચ્છ જિલ્લાનો અભ્યાસ પ્રવાસ કરશે. અંદાજ સમિતિના સભ્યોનો અભ્યાસ પ્રવાસ તા.૨૪ ડિસેમ્બર ૨૦૨૪ના દિવસે ગાંધીનગરથી શરૂ થશે. ત્યારબાદ ગાંધીનગરથી કચ્છના ધોળાવીરા વિશ્વ ધરોહર સ્થળ અને મ્યુઝીયમની મુલાકાત કરી કાળો ડુંગર -રોડ ટુ હેવન- જવા રવાના થશે, સાથોસાથ પ્રવાસના પ્રથમ દિવસે દતાત્રેય મંદિર, ધોરડો ખાતે ટેન્ટ સિટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી રાત્રિ રોકાણ કરશે.
અભ્યાસ પ્રવાસના બીજા દિવસે તા.૨૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ અંદાજ સમિતિના સભ્યો સફેદ રણ જવા માટે રવાના થશે, ત્યાં જઈને સનરાઈઝ નિહાળશે, ત્યારબાદ પ્રવાસીઓના આશ્રય સ્થાનની મુલાકાત લઈને માતાના મઢ જવા રવાના થશે, તેમજ નારાયણ સરોવર અને કોટેશ્વરનો પ્રવાસ કરશે.
જ્યારે અભ્યાસ પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે તા.૨૬ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ અંદાજ સમિતિના સભ્યો ભૂજ જવા રવાના થશે, ત્યાં તેઓ સુરલભીટ હેડ વર્કસ સાઈટની મુલાકાત અને સ્મૃતિવનની મુલાકાત લેશે, ત્યારબાદ તેઓ અંજાર ખાતે આવેલ જેસલ – તોરલની સમાધિની મુલાકાત લેશે. તા.૨૬ ડિસેમ્બરના દિવસે પ્રવાસ પૂર્ણ કરી ગાંધીનગર પરત રવાના થશે તેમ ગુજરાત વિધાનસભા સચિવાલય ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.