અતિજોખમી સગર્ભાઓને સરકારશ્રી દ્વારા રૂ.૧૫,૦૦૦ની સહાય સારવાર પેટે ચૂકવાય છે

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા અતિ જોખમી સગર્ભાના ચિહ્નોમાં વધુ સાત માપદંડો ઉમેરવામાં આવ્યા છે. જેને પગલે સગર્ભવસ્થા દરમિયાન ૪૫ વર્ષથી વધુ ઉંમર, એઇડ્સ, સગર્ભાવસ્થા દરમિયાન મધુપ્રમેહ સહિત સાત જેટલા ચિહ્નો અતિ જોખમી સગર્ભા યોજનાની સહાય માટે નક્કી કરતો ઠરાવ કરવામાં આવ્યો છે. આ નવા સાત ચિહ્નો સાથે ૧૯ જેટલા ચિહ્નોમાં અતિ જોખમી સગર્ભાની સારવાર પૂરી પાડવામાં આવશે. કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ આ નવીન ઠરાવની અમલવારી શરૂ કરવા કવાયત હાથ ધરાઈ છે.
નવા ઠરાવ હેઠળ ઉમેરાયેલ માપદંડો
(૧) બે વખતની સગર્ભા તપાસમાં હિમોગ્લોબિન ૬.૫ થી ૭ ગ્રામ % હોવું જોઈએ (૨) સગર્ભાવસ્થા દરમિયાન મધુપ્રમેહ (૩) અગાઉ ત્રણ વખત ગર્ભધારણ કરેલ હોય તેવી સગર્ભા બહેનો કે જેઓની આ ચોથી ડિલિવરી થવાની હોય (૪) દૂષિતતા અથવા અવરોધિત પ્રસૂતિનો ઇતિહાસ (૫) ૪૫ વર્ષથી વધુ ઉંમર (૬) એઇડ્સ (૭) સિસ્ટમિક લુપસ એરિથમેટોસસ (એસએલઈ)
અતિ ગંભીર ચિહ્નો ધરાવતી સગર્ભાઓમા પ્રસૂતિ દરમિયાન જોખમની શક્યતા વધી જતી હોય છે. આવી બહેનોને પહેલાથી ઓળખી તેઓની પ્રસૂતિ જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ હોસ્પિટલ ખાતે સુનિશ્ચિત કરવાની યોજના અમલમાં છે. આ યોજના હેઠળ અતિ જોખમી પ્રસૂતિમાં લાભાર્થી સગર્ભા માતાને રૂ.૧૫૦૦૦ સહાય ચૂકવવામાં આવતી હોય છે. જોકે આ લાભ માટે આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરેલી હોસ્પિટલમાં સાત દિવસ સુધી સારવાર મેળવવી જરૂરી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે અગાઉ ૧૨ જેટલા માપદંડો નક્કી થયા હતા તે પૈકી કોઈ પણ ચિહ્નવાળી સગર્ભાને અતિ જોખમી સગર્ભા યોજનાનો લાભ મળતો હતો. તેમાં વધુ ૭ માપ દંડો (ચિહ્નો) ઉમેરતો ઠરાવ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રસૂતિ દરમિયાન માતા અને બાળક બંને સુરક્ષિત રહે તેની વિશિષ્ટ દરકાર રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ લઈ રહ્યો છે.
૦૦૦૦