કચ્છી હસ્તકળાના કસબીઓ સાથે સંવાદ સાધતા રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજી

કચ્છ કળા અને કારીગરી માટે જગ વિખ્યાત છે, ત્યારે કચ્છની મુલાકાતે પધારેલા રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજીએ કચ્છની પરંપરાગત કલા અને કસબ સાથે જોડાયેલા કારીગરો સાથે ધોરડો ખાતે સંવાદ સાધ્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે કચ્છી રોગાન આર્ટ, મડ વર્ક, ભરત કામ અને વણાટ કામ સહિતની કારીગરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને કચ્છી કારીગરી સાથેની હસ્તકળાની વસ્તુઓના વિવિધ સ્ટોલ્સની મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન કલાના કસબીઓ સાથે તલસ્પર્શી ચર્ચા કરી રાષ્ટ્રપતિશ્રી કચ્છના પરંપરાગત કળાઓથી પ્રભાવિત થયા હતા. તેઓશ્રીએ કારીગરો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “વર્ષોથી સચવાયેલી આ પરંપરાગત કળા જીવંત રાખવા માટે આવનારી પેઢીએ પણ આ કળા શીખીને તેમાં જોડાવવું જરૂરી છે.”

માનનીય રાષ્ટ્રપતિશ્રીએ કચ્છી રોગાન આર્ટ સાથે આઠ પેઢીથી જોડાયેલા કારીગર એવા પદ્મશ્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અબ્દુલગફુર ખત્રીએ તેમને રોગાન આર્ટના ઈતિહાસ સહિતની માહિતી આપી હતી. તેમણે આ તકે રાષ્ટ્રપતિશ્રીને રોગાન આર્ટથી બનેલા ટ્રી ઓફ લાઈફ – કલ્પવૃક્ષની ફ્રેમ સ્મૃતિચિહ્ન સ્વરૂપે ભેટ આપી હતી. કચ્છી માટીથી બનતા મડ વર્ક વિશે માજીખાન મુતવાએ રાષ્ટ્રપતિશ્રીને વિગતે વાત કરી આ કલાની વિશેષતાઓ વર્ણવી હતી. તેમણે રાષ્ટ્રપતિશ્રીને મડ વર્કથી બનાવેલી નેમ પ્લેટ સ્મૃતિચિહ્ન સ્વરૂપે ભેટ કરી હતી.

રબારી ભરતકામના કસબી પાબીબેન રબારીએ ભરત કામથી બનાવેલ પર્સ અને અજરખ પ્રિન્ટ ડાયરી સ્મૃતિ ચિહ્ન સ્વરૂપે ભેટ આપી હતી. કચ્છી વણાટકળા સાથે સંકળાયેલા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અરજણભાઈ વણકરે કચ્છી વણાટ કામ વિશે જાણકારી આપી હતી. તેમણે કચ્છી વણાટથી બનાવેલ સ્ટોલ રાષ્ટ્રપતિશ્રીને સ્મૃતિ ચિહ્ન સ્વરૂપે ભેટ આપી હતી.

કચ્છી હસ્તકળાનાં વિવિધ સ્ટોલની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિશ્રીએ કચ્છી બાંધણી, મેટલ અને કોપર વર્ક, તલવાર અને સુડી ચપ્પા, અજરખ વગેરે વિશે જાણકારી મેળવી હતી. કારીગરોએ પોતાનો સ્નેહ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિશ્રીને અજરખ સ્ટોલ, મડ વર્ક ફ્રેમ સહિતની હસ્તકળાની વસ્તુઓ ભેટ આપી હતી.

આ મુલાકાત દરમિયાન ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, કચ્છના પ્રભારી અને રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ગુજરાત પ્રવાસન નિગમના મેનેજીંગ ડિરેક્ટરશ્રી એસ.છાકછુઆક સહિતના મહાનુભાવો અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બળવંતસિંહ જાડેજા
૦૦૦૦૦૦