પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવા રાજ્ય સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન વેગવંતુ
ખેડૂત મિત્રો, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતો અને ખેતીને સમૃદ્ધ કરવા પ્રાકૃતિક કૃષિનું મિશન આરંભ્યું છે. જેમાં ગુજરાતના કૃષિ મોડેલને રોલમોડેલ તરીકે નિર્દેશિત કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવાના તેમના આ સંકલ્પની સિદ્ધિ માટે રાજ્ય સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન વેગવંતુ છે. ખેતીમાં જંતુનાશકો અને યુરિયાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરીને ખેડૂતો જમીનને બિનઉપજાઉ બનાવી રહ્યા છે. પીવાના પાણીમાં પણ પ્રદૂષણ વધી રહ્યું છે. આમાંથી બચવાનો એકમાત્ર ઉપાય છે, ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે, પ્રાકૃતિક ખેતી અપનાવે.
પ્રાકૃતિક ખેતીનાં મુખ્ય સિદ્ધાંતો જાણીએ તો, ન્યુનત્તમ ખર્ચ, સ્વદેશી સુક્ષ્મસજીવો પર નિર્ભરતા, જમીનની ફળદ્રુપતા જાળવવી અને જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવા સહિતના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે.
ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ એટલે શું એ સમજવું ખૂબ જ જરૂરી છે. ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગનો અર્થ નહીવત ખેતી ખર્ચ એવો થાય છે. પ્રાકૃતિક કૃષિ ઓછામાં ઓછા બાહ્ય કૃષિ ઇનપુટ્સ પર ભાર મૂકે છે. પ્રાકૃતિક ખેતીમાં ઇનપુટ્સ ખેડૂતો પોતે જ તૈયાર કરી શકતાં હોવાથી તેનો નહીવત ખર્ચ થાય છે.
પ્રાકૃતિક ખેતીમાં સ્વદેશી સૂક્ષ્મજીવોની ભૂમિકા ઘણી અગત્યની છે. સ્વદેશી સુક્ષ્મજીવો જમીનમાં રહેલાં અવશેષોને વિઘટિત કરી છોડને પોષણ પૂરું પાડવાનું કામ કરીને જમીનની ફળદ્રુપતા અને ઓર્ગેનિક કાર્બનમાં વધારો કરે છે. આ રીતે સૂક્ષ્મ જીવો નુકસાનકારક જીવાણુઓથી પાકને રક્ષણ આપે છે.
રાસાયણિક ખાતર અને જંતુનાશકના મોટા પાયે પર ઉપયોગ વચ્ચે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. કુદરતે અનેક પ્રાકૃતિક તત્વો આપ્યાં છે તેનો યોગ્ય અભ્યાસ કરી કૃષિ તજજ્ઞોનું માર્ગદર્શન મેળવી પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ.