ટીબીની નિયમિત સારવાર લેનારા ૯૦ ટકા દર્દીઓ સાજા થઇને સામાન્ય જીવન જીવી શકે છે
દર વર્ષે ૨૪ માર્ચના દિવસે દુનિયામાં ટીબી રોગને નિર્મૂળ કરવાના અડગ નિર્ધારને પુન:દોહરાવવા માટે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે. સદીઓ જુનો રાજરોગ ગણાતો ટીબી(ક્ષય)ના હજી પણ દર વર્ષે આખી દુનિયામાં એકાદ કરોડ દર્દી નવા ઉમેરાય છે અને તે પૈકી ૪ થી ૫ લાખ વ્યક્તિઓ દર વર્ષે મૃત્યુ પામે છે, જેની ઘણા દેશો પર આર્થિક અને સામાજિક રીતે માઠી અસર થાય છે.
આ વર્ષનું વર્લ્ડ ટીબી દિવસ ની થીમ છે ”YES, WE CAN END TB; COMMIT, INVEST, DELIVER”. વિશ્વના ચોથા ભાગના દર્દીઓ આપણા દેશમાં હોવાનો વિશ્વ આરોગ્ય સંસ્થાનો અંદાજ છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં SDG (SUSTAINABLE DEVELOPMENT GOALS) અંતર્ગત અને આપણા દેશમાં ઘનિષ્ઠ કામગીરી દ્વારા આનાથી પણ વહેલા આ રોગ નિર્મૂલન કરવાની નેમ છે. આપણે ગ્લોબલ ટીબી રીપોર્ટ મુજબ છેલ્લા ૧૦ વર્ષમાં અન્ય દેશો(૭-૮%) ની સરખામણી એ બમણો ઘટાડો ૧૫-૨૦% આ રોગની વ્યાપકતામાં નોંધ્યો છે
ટીબીનો દર્દી ખાંસી કે છીંક ખાય ત્યારે ફેલાતા માયકો બેક્ટેરિયા ટ્યુબર ક્યુલોસીસથી હવા દ્વારા ફેલાતો ચેપી અને લાંબો સમય ચાલતો અને મોટા ભાગે ફેફસાને અસર કરી નબળો પાડતો રોગ છે. આ રોગના મુખ્ય સૂત્રધાર એવા આ બેક્ટેરિયાની શોધ આ દિવસે રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી. જો કે શરીરના તમામ અંગોને અસર કરતા આ રોગમાં માત્ર બે અઠવાડિયાથી ચાલતી ખાંસી જ નહિં પરંતુ તાવ, ભૂખ ન લાગવી, વજન ઘટી જવું કે રાત્રિના સમયે કોઈ કારણ વિના પરસેવો થવો જેવી ફરિયાદો મુખ્યત્વે જોવા મળે છે. પરંતુ લાંબો સમય ચાલતી કોઈ પણ શારીરિક સમસ્યાનું કારણ ટીબી નથી ને તે ચકાસવું ખૂબ જે આવશ્યક છે.
છાતીનો એક્સ રે અને ગળફાની માઈક્રોસ્કોપથી કે અદ્યતન એવા TRUNATTના CBNAAT મશીનથી તપાસ દ્વારા ટીબીનું ચોક્કસ નિદાન થયા બાદ રોગગ્રસ્ત વ્યક્તિની ઓછામાં ઓછી ૬ માસની સારવાર જરૂરી બને છે. જેમાં દર્દીના શરીરના વજન આધારિત એક જ પ્રકારની ૨ થી ૬ ટેબલેટ્સ લેવી પડે છે. આ તમામ સુવિધાઓ સરકારી આરોગ્ય કેન્દ્રો પર તદ્દન મફત ઉપલબ્ધ છે. આ ઉપરાંત સોનોગ્રાફી, સીટી સ્કેન, એમ આર આઈ કે શરીરના કોઈ માંસપેશીઓની બાયોપ્સીથી પણ આ રોગને પકડી શકાય છે. NAAT મારફતે નિદાનથી સારવારની શરૂઆતમાં જ સાદો ટીબી છે કે ડ્રગ રેઝિસ્ટન્સ ટીબી તે નક્કી કરી શકાય છે, મતલબ કે પ્રથમ હરોળની દવાઓ દર્દીને અસર કરશે કે અન્ય આધુનિક દવાઓ આપવી પડશે. આમ કરવાથી સારવાર ની સફળતાનો દર વધે છે અને દર્દીના સાજા થવાની શક્યતાઓ વધી જાય છે.
મફત અને ગુણવત્તા યુક્ત નિદાન અને સારવાર ઉપરાંત વધારાના પોષણ માટે ની “ક્ષય પોષણ” યોજના અંતર્ગત સરકાર શ્રી દ્વારા ટીબીના દરેક દર્દીને જ્યાં સુધી સારવાર ચાલુ રહે ત્યાં સુધી દર મહીને તેમના બેંક એકાઉન્ટમાં રૂપિયા ૧૦૦૦ પ્રતિ માસ સીધા જ ચુકવવાની જોગવાઈ કરેલી છે. રોગ પ્રતિકારશક્તિ વધારવાના આ પ્રયાસને વેગવાન બનાવવા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દેશનો કોઈ પણ નાગરિક, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ કે ઉદ્યોગગૃહો વગેરે યથા શક્તિ આવા દર્દીને રાશન કીટ દર મહીને સમર્પિત કરી નિક્ષય મિત્ર તરીકે આ મહાયજ્ઞમાં સહભાગી બને છે.
ટીબીની સારવાર સાથે અન્ય બીમારી જેવી કે એચ.આઈ.વી અને ડાયાબીટીસની તપાસ પણ કરવામાં આવે છે અને ધુમ્રપાન કે મદિરાપાનના વ્યસનીઓને આ બીમારી વધુ ઘાતક નીવડતી હોઈ તેમાંથી મુક્ત થવા સલાહ અને મદદ કરવામાં આવે છે. સગર્ભાવસ્થા કે સ્તનપાન કરાવતી મહિલાઓને જો આ બીમારી હોવાનું માલુમ પડે તો તે પણ ગર્ભ કે શિશુને કોઈ પણ જાતના નુકસાન વિના આની સારવાર લઇ શકે છે. ખાનગી દવાખાના કે હોસ્પિટલ પણ જો કોઈ વ્યક્તિના ટીબીની નિદાન કે સારવાર શરૂ કરે તો જિલ્લા ક્ષય અધિકારીને તેની જાણકારી આપવી ફરજિયાત છે. આ દર્દી ખાનગી દવાઓ લઇ શકે કે સરકારી દવાઓ માટે મોકલી આપી શકે છે .
ગ્રામ્યકક્ષાએ આશા, આશા ફેસીલીટેટર, પુરુષ અને સ્ત્રી આરોગ્ય કાર્યકરો, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તથા આરોગ્ય કેન્દ્રના સ્ટાફ અને રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સેવા બજાવતા કર્મચારીઓ, આર બી એસ કે ની ટીમો પોતાની ગૃહ મુલાકાતો વખતે કે દર્દી કેન્દ્રો પર આવે ત્યારે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓની તપાસ કરી કાઉન્સેલિંગ કરે છે અને નિયમિતપણે દવાઓ લેવા સમજાવે છે. સમયાંતરે ફોન દ્વારા કે રૂબરૂ વજન કરીને અને સાદી શારીરિક તપાસ કરે છે. દર્દીના સગાને પણ આવો ચેપ લાગ્યો નથી ને તે બાબતે ડાબા હાથમાં વચ્ચે ચામડી નીચે ટેસ્ટ કરે છે અને જરૂર જણાય તો ટીબી અટકાયતી સારવાર આપે છે, જેથી ભવિષ્યમાં તેઓને ટીબી રોગ થવાની શક્યતાઓ ખૂબ ઘટી જાય છે. નિયમિતપણે સારવાર ન લેવામાં આવે તો સાદો ટીબી ગંભીર અવસ્થામાં પરિવર્તિત થઇ શકે છે જેમાં અત્યંત મોંઘી અને લાંબો સમય દવાઓ લેવી પડે છે. જો કે નજીકના ભવિષ્યમાં બી-પાલ રેજીમથી આવા દર્દીની સારવાર પણ શક્ય બનશે. જન્મ વખતે આપવામાં આવતી BCG રસી, માસ્કનો ઉપયોગ કે ટીબીના ચેપની તપાસ અને ટીબી અટકાયતી સારવારથી આ રોગ થતો મહદ અંશે અટકાવી શકાય છે.
જિલ્લા ક્ષય નિયંત્રણ અધિકારી ડો. મનોજ દવેએ જણાવ્યું હતું કે, ટીબીથી સાજા થઇ ગયેલા દર્દીઓને તાલીમ આપી ટીબી ચેમ્પિયન બનાવાય છે, જેઓ લોકોમાં જન જાગૃતિ ફેલાવવા કે સમાજમાં ટીબી પ્રત્યેની સુગમાં ઘટાડો કરવા તથા ગેરમાન્યતાઓ દૂર કરવામાં ઉત્સેચક તરીકે કામ કરે છે.
જિલ્લામાં કલેકટરશ્રીની અધ્યક્ષતામાં સમયાંતરે ટીબી ફોરમની મીટીંગ કરવામાં આવે છે. ગત વર્ષની પંચાયતોની ટીબીની કામગીરી અને સ્થિતિને આધારે ટીબી મુક્ત પંચાયતના સર્ટિફિકેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વર્ષે ૯૫ આવા પ્રમાણપત્રો અપાશે.
કચ્છ જિલ્લામાં મેડીકલ કોલેજથી માંડી ૧૦૦ જેટલા આરોગ્ય કેન્દ્રો અને સરકારી અને ખાનગી હોસ્પિટલ મળીને દર વર્ષે આશરે ૫૦૦૦૦ જેટલા ગળફાની તપાસ તથા તેટલા જ મોબાઈલ ડીજિટલ આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ સગવડ વાળા અને સાદા X RAY મારફતે કુલ ૩૩૦૦-૩૪૦૦ દર્દીઓનું નિદાન કરવામાં આવેલું છે. સરેરાશ સારવાર બાદ ૯૦%દર્દીઓ સાજા થઇ જાય છે, અમુક દર્દીઓ સારવાર અધુરી છોડે છે, અથવા ગંભીર ટીબીની સારવાર પર મુકાય છે જેની સંખ્યા લગભગ ૮૦-૯૦ જેટલી હોય છે. દર વર્ષે ૧૦૦ જેટલા ૧૫ વર્ષથી નીચેના બાળ દર્દીઓ પણ નોંધાય છે. જયારે સ્ત્રી દર્દીઓ કુલ પૈકી ૩૫% જોવા મળે છે. ઓછું વજન ધરાવતા, અન્ય બીમારીથી ગ્રસ્ત, મદિરા સેવન કે ધુમ્રપાન કરનારા, અધુરી સારવાર છોડી જનારમાં જ આ રોગ જીવલેણ નીવડે છે, બાકીના તમામ દર્દીઓ ૬-૮ માસની સારવારના અંતે સાજા થઇ જાય છે. સામાન્ય જીવન વિતાવે છે. અત્યાર સુધીમાં ૫૦૦૦ થી વધુ દર્દીના સંપર્ક ધરાવતા વ્યક્તિઓ ટીબી અટકાયતી સારવાર લઇ ચુક્યા છે જેમાં માત્ર ૧૨ અઠવાડિયા સુધી દર અઠવાડિયે ડોઝ લેવાનો રહે છે.
વિતેલા વર્ષોમાં કચ્છમાં સાંસદશ્રી, જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યોશ્રીઓ અને તમામ ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને અન્ય હોદેદારો, પદાધિકારીઓ, અધિકારીઓની પ્રેરણા,મદદ અને માર્ગદર્શન તથા ઉદ્યોગગૃહો, સામાજિક સંસ્થાઓ તથા ખાનગી હોસ્પિટલ અને ડોકટરો, મીડિયા તથા લોકોના સાથ સહકારથી લક્ષ્યાંકો પાર પાડવામાં મદદ મળી છે. આ ટીબી રૂપી રાવણનો વધ કરવામાં તમામની કોઈને કોઈ ભૂમિકા ચોક્કસ રહી છે અને રહેશે તેવી અભ્યર્થના.
જિજ્ઞા વરસાણી