શેખપીર પાસે હોટેલમાંથી બાળ શ્રમિકને મુક્ત કરાવાયો : કચ્છ જિલ્લા ચાઈલ્ડ ટાસ્ક ફોર્સ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ
કચ્છના ભુજ તાલુકાના શેખપીર ખાતે આવેલી હોટેલ શિવ દાબેલીમાંથી એક તરૂણને ગેરકાયદેસર રીતે મજૂરી કામમાંથી મુક્ત કરાવીને જિલ્લા શ્રમ અધિકારીશ્રી ચિંતન ભટ્ટ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા શ્રમ અધિકારીશ્રીની આગેવાનીમાં જિલ્લા ચાઈલ્ડ લેબર ટાસ્ફ ફોર્સ દ્વારા હોટેલ શિવ દાબેલીમાં રેઈડ કરવામાં આવી હતી. આ રેઈડમાં હોટેલ ખાતે બાળકને ગેરકાયદેસર રીતે બાળમજૂરી કરાવાતી હોવાનું સામે આવ્યું હતુ. ટીમ દ્વારા બાળકને રેસ્ક્યુ કરીને બાળ સંરક્ષણ ગૃહ ભુજ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
કચ્છમાં જિલ્લા ચાઈલ્ડ લેબર ટાસ્ફ ફોર્સ દ્વારા ૧૯ માર્ચના રોજ આકસ્મિક તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાળ મજૂર અધિનિયમ ૧૯૮૬ની જોગવાઈ મુજબ ગેરકાયદેસર બાળ શ્રમિકના કિસ્સામાં જિલ્લા શ્રમ અધિકારીશ્રી ચિંતન ભટ્ટ એ હોટેલના માલિક ક્રિષ્ના પાસવાન સામે એફ.આઈ.આર દાખલ કરાવીને કાયદાકીય કાર્યવાહી કરી છે. આ રેઈડની કાર્યવાહીમાં જિલ્લા શ્રમ અધિકારીશ્રી ચિંતન ભટ્ટની સાથે શ્રી અશોક પટેલ, ડૉ.નિર્મલા ગૌરી, સામાજિક કાર્યકર સુશ્રી વણકર હિનાબેન અને સુશ્રી અપેક્ષા ખાંગલા વગેરે જોડાયા હતા.