સીમા જાગરણ મંચના માધ્યમથી કચ્છ સરહદે ટુંકાં અંતરનું પેટ્રોલીંગ કરવા માટેના નવતર પ્રયોગમાં સાયકલની ખરીદી માટે દાતાઓના સહયોગથી બીએસએફને પેટ્રોલીંગમાં સહાયતા હેતુ ૪૦ સાઈકલ અર્પણ કરવામાં આવી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સંગઠન સીમા જાગરણ મંચ ૨૦૦૨ થી કચ્છમાં કાર્યરત છે. સીમાવર્તી વિસ્તારોમાં લોક જાગૃતિ, સમરસતા, સુરક્ષા દળો સાથે સમન્વય જેવા કાર્યો સાથે કાર્યરત આ સંગઠન અનેકવિધ લોકઉપયોગી સામાજીક કાર્યો પણ કરે છે. ભારત પાકિસ્તાનની બોર્ડર પર ફેન્સિંગ પાસે સીમા સુરક્ષા દળના જવાનો હંમેશા અતિ કપરી પરિસ્થિતિમાં પોતાની ફરજ બજાવતા હોય છે. બોર્ડર પર કોઈ એરાષ્ટ્રીય પ્રવૃત્તિ ન થાય તે માટે પોતાની રાઈફલ અને અન્ય ભારે સામાન ઉપાડી પગે ચાલીને ચોવીસે કલાક સતત પેટ્રોલીંગ કરતા રહેતા હોય છે, જે સતત શારીરિક તથા માનસિક રીતે થકવનારું હોય છે.

કચ્છના રણની ઉનાળાની ગરમી તથા સતત ફૂંકાતા ગરમ પવનો અને શિયાળામાં સતત ઠંડીમાં પણ જવાનો મુશ્કેલ પરિસ્થિતિમાં અડગ રહે છે. બોર્ડર પર આ પરિસ્થિતિમાં જવાનોને પેટ્રોલીંગમાં સહાયતા હેતુ સીમા જાગરણ મંચના માધ્યમથી દાતાઓના આર્થિક સહયોગ દ્વારા ૪૦ સાઈકલ વિતરણનો કાર્યક્રમ ચૈત્ર સુદ એકમ હિંદુ નવ વર્ષ નિમિત્તે ભુજ સ્થિત બીએસએફના હેડ ક્વાર્ટર પર યોજાયો હતો.

આ કાર્યક્રમમાં બીએસએફના ડીઆઈજી શ્રી અનંતસિંગજીએ ઉપસ્થિત રહી કચ્છી દાતાઓની દિલેરી, અહીંના લોકોની સેના પ્રત્યેની અનેરી આત્મીયતા અને વિશેષ લાગણી બાબતે રાજીપો વ્યક્ત કરી સૌનો આભાર માન્યો હતો. આ દરમિયાન તેમણે સ્થાનિકો દ્વારા દરવર્ષે બોર્ડર ઉપર જવાનો સાથે થતી રક્ષાબંધન અને દિવાળીના તહેવારોની ઉજવણી તથા સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા ભેડિયાબેટ હનુમાનજી મંદિરના નવનિર્માણનો ખાસ ઉલ્લેખ કરી જવાનો દ્વારા કરાતાં ટુંકા અંતરના પેટ્રોલીંગમાં પગપાળા ચાલીને જે સમય અને શારીરિક શક્તિ ખર્ચાય છે તેનો આ સાયકલોના માધ્યમે ખુબ બચાવ થશે તેવો હ્રદયભાવ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત સ્વામિનારાયણ મંદિર મદનપુર (સુખપર) ની પ્રેરણાથી મહંત અમરબાઈની પ્રેરણાથી સૌ સાંખ્યયોગી અને સત્સંગી બહેનો દ્વારા મંદિરમાં ખાસ જવાનોના સહયોગ માટે રખાયેલી દાનપેટીની રકમમાંથી ૧૫ સાયકલનો સહયોગ કરાયો હોવાનું જાણી મંદિરમાં રહી ભગવાનની ભજન ભક્તિ કરતાં ત્યાગી બહેનોમાં પણ દેશના જવાનો પ્રત્યેની અદ્દભુત લાગ લાગણીથી સૌ અતિ પ્રભાવિત થયા હતા. કાર્યક્રમમાં સીમા જાગરણ મંચના અઘ્યક્ષ હિંમતસિંહજી, દાતા પરીવારના સુનિલભાઈ ચૌધરી, સુનિલભાઈ વોરા, જીતુદાન ગઢવી, પંકજભાઈ યાદવ, લગ્ધીરસિંહ જાડેજા સાથે સીમા જાગરણ મંચના અન્ય કાર્યકર્તાઓ, મદનપુર મંદિરના યુવા કાર્યકરો અને સેનાના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સીમા જાગરણ મંચના ખાનજી જાડેજાએ આભારવિધિ કરતા કહ્યું હતું કે ભવિષ્યમાં જવાનો માટે ગમે ત્યારે અને કોઈપણ જરૂરિયાત માટે આ સંગઠન અને કચ્છનો રાષ્ટ્રપ્રેમી સમાજ સદાય તત્પર રહેશે.