જમીન ચકાસણીથી પ્રાકૃતિક ખેતીમાં અસરકારક ઉત્પાદન મેળવી શકાય

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. આજે પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા જમીન ચકાસણી કેવી રીત ઉપયોગી બની રહે છે તે જાણશું. જમીનએ ખેતીમાં પાયાનું અંગ છે. ખેત પેદાશ કેટલી આવશે તેનો સારો એવો આધાર જમીન ઉપર રહેલો છે. જમીન દ્વારા જ છોડને જરૂરી પોષણ અને આધાર મળી રહે છે. અત્યારના આધુનિક સંશોધનોથી ખેડૂતો પાકની વધુ ઉત્પાદન આપતી નવી જાતોનું વાવેતર કરતા થયા છે. આ જાતો જમીનમાંથી પોષકતત્વોનો વધુ ઉપાડ કરી વધુ ઉત્પાદન આપે છે. પરિણામે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. આથી જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને વધુ ઉત્પાદન મેળવવા જમીનમાં ખાતર આપવું પડે છે. ખાતરનો કાર્યક્ષમ અને ભલામણ પ્રમાણે ઉપયોગ કરી વધુ આર્થિક ફાયદો મેળવવો હોય તો જમીન ચકાસણી કરાવવી ખાસ જરૂરી છે. જેથી “જમીન ચકાસણી અહેવાલ”ની ભલામણ મુજબ જમીનમાં વિવિધ પોષક તત્વોરૂપી ઘન જીવામૃત, બીજામૃત વગેરે ખાતર યોગ્ય માત્રામાં આપી ખેડૂત વધુ ફાયદો મેળવી શકે છે.

૧. જમીન ચકાસણીની જરૂરીયાત શા માટે ?
૧. જમીનનું બંધારણ, નીતર શક્તિ, ભેજ સંગ્રહ શક્તિ તેમજ ભૌતિક ગુણધર્મોની જાણકારી મેળવવા.
૨. પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડવાની જમીનની ક્ષમતા (જમીનની ફળદ્રુપતા) જાણવા.
૩. પાકને જરૂરી પોષક તત્વો ખૂટતા હોય તો તે કેટલા પ્રમાણમાં નાખવા તેની જાણકારી મેળવવા.
૪. જમીન ખારી કે ભાસ્મિક છે તે જાણી તેને અનુરૂપ સુધારણાના ઉપયોગ કરવા.
૫. ગ્રામ્ય, તાલુકા કે રાજયકક્ષાએ જમીનની ફળદ્રુપતાના નકશા તૈયાર કરવા.
૨. જમીનનો નમૂનો લેવાની રીત :
જમીનનો યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતો નમૂનો લેવા જમીનની બે થી ત્રણ એકરની ટુકડી દીઠ એક નમુનો લેવો. આ એક નમૂના માટે જે ટુકડીમાંથી નમૂનો લેવાનો હોય તે ટુકડીમાંથી આઠથી દશ જુદી જુદી જગ્યાએથી પાવડા વડે અંગ્રેજીમાં ‘વી’ આકારનો ખાડો કરી એક ફૂટ જેટલી ઉંડાઈ સુધીની માટી લેવી. આ નમૂનો લેતા અગાઉ જમીનના ઉપરના ભાગમાંથી કાંકરા, કચરો દુર કરવા, જમીનનો ઉપરથી નીચે સુધીનો સળંગ સમાંતર ભાગ આવી જાય તે રીતે પાવડાથી માટી લેવી ખાસ જરૂરી છે. આમ, આ રીતે આઠથી દશ જગ્યાએથી લીધેલ માટીને એક ગમેલામાં ભેગી કરી, બરાબર મિશ્ર કરી, ત્યારબાદ તેમાંથી અડધો કિલો જેટલી માટી પ્લાસ્ટિક અથવા કાપડની સારી કોથળીમાં ભરી નીચે પ્રમાણે જરૂરી માહિત સાથે ચકાસણી માટે મોકલવી.
૩. જમીનના નમૂના અંગે ધ્યાનમાં રાખવાની બાબતો :
૧. જમીનનો નમૂનો પાકની કાપણી બાદ અથવા પાક વાવતા પહેલા લેવો.
૨. ઊભા પાકમાંથી નમૂનો લેવો હોય તો પાકની હરોળ વચ્ચેથી લેવો.
૩. ખાતરનો ખાડો, વાડ, ઝાડ, સેઢા કે પાણીના ખાબોચિયા પાસેથી નમૂનો લેવો નહીં.
૪. બાગાયતનાં પાક માટે ઝાડના ઘેરાવાની નીચેની ૩-૪ જગ્યાએથી માટી લઈ ભેગી કરી નમૂનો લેવો.
૫. જમીનનો નમૂનો ખાતરવાળી કે છાણવાળી જગ્યાએથી દુર રાખવો.
૬. નમૂનો લેવાની કોથળી સ્વચ્છ હોવી જોઈએ.
૭. નમૂના સાથે નીચે પ્રમાણેની જરૂરી માહિતી અવશ્ય મોકલવી.
ઘનિષ્ઠ ખેતી પદ્ધતિના ઉપયોગથી એકમ વિસ્તારમાં વર્ષ દરમિયાન એકથી વધુ પાકો લઈ વધુ આવક મેળવવી તે રાષ્ટ્રના હિતની વાત છે. આ માટે પીયત એક અગત્યનું પરિબળ છે. જો પાણીની પુરતી સગવડતા હોય તો ખેડૂત ધાર્યું ઉત્પાદન મેળવી આર્થિક રીતે વધુ ફાયદો મેળવી શકે છે. પરંતુ આ માટે જમીન અને પાણીનો મેળ હોવો જરૂરી છે. જો પાણી જમીનને અનુકૂળ ન હોય તો જમીન બગડવાની પૂરેપૂરી શક્યતા છે. આથી પીયતના પાણીનું પૃથક્કરણ કરાવી તેના અહેવાલમાં કરેલ ભલામણ મુજબ પાણીનો મેળ હોવા જરૂરી છે. જો પાણી જમીનને અનુકૂળ ન હોય તો જમીન બગડવાની પૂરેપૂરી શક્યતા છે. આથી પીયતના પાણીનું પૃથક્કરણ કરાવી તેના અહેવાલમાં કરેલ ભલામણ મુજબ પાણીનો અસરકારક રીતે ઉપયોગ કરવો હિતાવહ છે.
૪. પાણીના પૃથક્કરણની જરૂરીયાત શા માટે ?
૧. ખેતીમાં પિયત માટે પાણી અનુકૂળ છે કે નહીં તે જાણવા.
૨. પાણીમાં ક્યા-ક્યા દ્રાવ્યક્ષારો કેટલા પ્રમાણમાં છે તેમજ ક્ષારના ઘટકો વચ્ચેનું પ્રમાણ જાણવા.
૩. અમુક પ્રકારની જમીનમાં પાણી લાંબો સમય વાપરી શકાય કે કેમ તે નક્કી કરવા.
૪. હાનીકારક ક્ષારયુક્ત પાણીનો ઉપયોગ પિયત માટે કરવો હોય તો જમીનના ગુણધર્મ પર વિપરીત અસર થયા વગર કયા ઉપાયો યોજી કેટલા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવો તે નક્કી કરવા.
૫. પાણી કયા પાકો માટે વાપરી શકાય તે જાણવા.
૫. પાણીનો નમૂનો લેવાની રીત :
પાણીનો નમુનો કુવા, નહેર કે પાતાળ કુવાનાં પાણીનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જરૂરી છે. તેથી નીચે મુજબ જણાવેલ બાબતોને લક્ષમાં રાખી ૦.૫ થી ૧ લીટર પાણીનો નમૂનો મેળવી પ્લાસ્ટિક કે કાચની બોટલમાં ભરી બૂચ સારી રીતે બંધ કરી ઉપર લેબલ મારી માહિતીપત્રક સાથે પૃથક્કરણ માટે પ્રયોગશાળામાં મોકલવો.
૬. પાણીનો નમૂનાં માટે ધ્યાનમાં રાખવાની બાબતો :
૧. પાણીનો નમૂનો લેતી વખતે સપાટી ઉપર ઝાડના પાન કે કચરો હોય તો તેને દુર કરવો.
૨. જો નમૂનો નહેરના પાણીનો લેવાનો હોય તો વહેતા પાણીમાંથી લેવો અને કુવા કે પાતાળકુવાના પાણીનો લેવાનો હોય તો મોટર કે એન્જિન ચાલુ કરી ૩૦ મિનીટ પાણી જવા દઈ ત્યાર પછી નમૂનો લેવો.
૩. પાણી તથા જમીનનો મેળ જાણવાનો હોય તો પાણી તથા જમીન એમ બંને નમૂના સાથે મોકલવા.
૪. જે પાણીનો નમૂનો લેવાનો હોય તે પાણી વડે પ્રથમ બોટલ બરાબર સાફ કરવી.
૫. નમૂનો ભરવા માટે સ્વચ્છ બોટલ ભરવી.
૬. બોટલ ઉપર પાણીથી ભૂસાઈ ન શકે તેવા અક્ષરોથી નંબર આપવા.
આ અંગે વધુ વિગત તથા માર્ગદર્શન માટે પ્રોજેકટ ડાયરેકટર, આત્માનો સંપર્ક કરવો.