કચ્છ વિસ્તાર ભારતના સીસ્મિક ઝોનના નકશામાં ઝોન 5 તરીકે ઓળખાય છે : સૌથી વધુ અને મોટા વિનાશક ભૂકંપ આવી શકે છે
આખી દુનિયામાં એક્ટિવ ઇન્ટ્રાપ્લેટ સિસ્મિક ઝોન તરીકે પ્રખ્યાત કચ્છ વિસ્તાર, ભારતના સીસ્મિક ઝોનના નકશામાં ઝોન 5 તરીકે ઓળખાય છે, જેનું અર્થ છે કે અહીં સૌથી વધુ અને મોટા વિનાશક ભૂકંપ આવી શકે છે અને કચ્છ વિસ્તારમાં નિયમિત રીતે ભૂકંપના ઝટકા અનુભવાય છે.
કચ્છ અને અહીંના ખડકોનું નિર્માણ આશરે 18 કરોડ વર્ષ પહેલા થયું હતું, જ્યારે ભારત ખંડ આફ્રિકા ખંડથી અલગ થયો. આ પ્રક્રિયામાં અનેક પ્રકારની ફોલ્ટ લાઇન નુ નિરમાણ થયુ. ભારત ખંડના આફ્રિકાથી અલગ થતા પછી લાંબી મુસાફરી બાદ, યુરેશિયા ખંડ સાથે અથડાતા સમયે કચ્છમાં નવા ફોલ્ટોનું નિર્માણ થયું. આ વિસ્તાર જ્વાળામુખી પ્રવૃત્તિઓનો પણ સાક્ષી રહ્યો છે. કચ્છમાં ડાયનાસોર અને અન્ય જમીન અને દરિયાઈ જીવો જીવતા હતા અને પછી નાશ પામ્યા. ભારત ખંડના આ પ્રવાસ દરમિયાન, ખાસ કરીને કચ્છે અનેક ભૂકંપો અનુભવ્યા હતા, જેના પુરાવાઓ આજે પણ પથ્થરોમાં જોવા મળે છે. કચ્છનો વિસ્તાર, જેમાં દરિયો, રણ, મેદાન અને પર્વતો સમાવિષ્ટ છે, આ ફોલ્ટથી નિયંત્રિત થાય છે. અહીંની વિવિધ ભૌગોલિક રચનાઓ છેલ્લા દસ હજાર વર્ષના ભુકંપોથી બની છે, જેને એક્ટિવ ટેકટોનિક અથવા ન્યોટેકટોનિક રચના કહેવામાં આવે છે. કચ્છમાં મોટા ભૂકંપો આવવાની શક્યતા દર્શાવતા કેટલાક પુરાવો છે. છેલ્લા 200 વર્ષમાં કચ્છ અને આસપાસના વિસ્તારોમાં 9થી વધુ મોટા ભૂકંપો આવી ચૂક્યા છે, જેમ કે 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956, 1971 અને 2001 માં આવેલ ભૂકંપો. છેલ્લા પાંચ વર્ષમાં પણ કચ્છમાં ચારથી પાંચ મેગ્નિટ્યુડ ના અનેક ભૂકંપો નોંધાયા છે. ભૂકંપના કેન્દ્ર બિંદુઓની નોંધ લઈએ તો કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપોનું કેન્દ્રબિંદુ અલગ અલગ વિસ્તારનું રહેલું છે તેનું કારણ
કચ્છમાં એકથી વધુ ફોલ્ટ લાઈન છે. ભારત-પાકિસ્તાન બોર્ડરથી શરૂ કરીને, અહીં નગર પારકર ફોલ્ટ, પશ્ચિમ રણમાં અલ્લાહબંધ ફોલ્ટ, ખાવડા-ધોળાવીરા-સાંતલપુર વિસ્તારમાં આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટ, પચ્છમ વિસ્તારનો ગોરાડુંગર ફોલ્ટ, ઉત્તર વાગળ માં આવેલ ગેડી ફોલ્ટ, ભીરનડિયાળા નજીક આવેલ બન્ની ફોલ્ટ, આધોઈ નજીક સાઉથ વાગડ ફોલ્ટ, લખપત થી ભચાઉ સુધી આવેલ કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ, વિગોડી ગામ ની નજીક આવેલ વિગોડી ફોલ્ટ, ભુજ કુકમાંના દક્ષિણમાં આવેલ કટ્રોલ હિલ ફોલ્ટ, કોઠારા ના પૂર્વમાં આવેલ નાયરા ફોલ્ટ, દહીસરા નજીક સાઉથ કટ્રોલ હિલ ફોલ્ટ, અને દ્વારકા જામનગર વિસ્તારમાં આવેલ નોર્થ કાઠીયાવાડ ફોલ્ટ જેવી અનેક ફોલ્ટ લાઇન છે.
આ બધી ફોલ્ટ લાઇન એક્ટિવ છે અને ભવિષ્યમાં મોટા તથા વિનાશક ભૂકંપોની આવવાની શક્યતા દર્શાવે છે.
ગઈકાલે, તારીખ 22/4/2025ની રાત્રે 11:30ની આસપાસ કચ્છમાં ફરીથી ભૂકંપ આવ્યો, જેમાં તીવ્રતા પાંચ મેગ્નીટ્યુડની હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પશ્ચિમ વાગડ વિસ્તારમાંના અમરસર ગામથી ચારથી પાંચ કિલોમીટર દૂર મીઠાના ખેતરોમાં હતું. આ ભૂકંપ જમીનથી આશરે 23.6 કિલોમીટર ઊંડેથી ઉત્પન્ન થયો હતો અને નીચે પથ્થરોમાં ભંગાણ થવાના કારણે જોરદાર અવાજ અને ધડાકા પર થયેલા. છેલ્લાં દોઢ વર્ષમાં આ વિસ્તારના આજુબાજુમાં ચારથી વધારે ચારથી પાંચ મેગ્નીટ્યુડ વચ્ચેના ભૂકંપ નોંધાયા છે. ગઈકાલે આવેલા અને છેલ્લા દોઢ વર્ષમાં આવેલા ભૂકંપોનું કેન્દ્રબિંદુ 2001ના ભૂકંપના કેન્દ્રબિંદુની આસપાસનો વિસ્તાર છે. જિયોલોજીકલી જોતા, 2001ના ભૂકંપની ફોલ્ટ સિસ્ટમના વિસ્તારમાં જ આ બધા ભૂકંપો અને ગઈ કાલનો ભૂકંપ આવ્યો છે, જેને 2001 પછીનો આફ્ટરશોક કહી શકાય.
આ વિસ્તાર જિયોલોજીકલી ખૂબ જ વીક છે અને બહુ બધા નાના નાના ફોલ્ટ અને ફ્રેક્ચરથી ભરેલો છે, જેને કચ્છ મેનલેન્ડ ફોલ્ટ અને સાઉથ વાગડ ફોલ્ટ વચ્ચેનો સ્ટેપઓવર ઝોન કહેવામાં આવે છે. સ્ટેપઓવર ઝોન તે વિસ્તાર છે જ્યાં બે થી વધુ ફોલ્ટ મળે છે અને વિવિધ પ્રકારની રચનાઓ ધરાવે છે. બંને ફોલ્ટ દ્વારા વિવિધ પ્રકારના મૂવમેન્ટને કારણે આ વિસ્તારમાં વારંવાર ભંગાણ થાય છે, જેના પરિણામે ઊર્જા નીકળી જોવાના કારણે ભૂકંપ આવતા જ રહે છે અને અવાજ અને ધડાકાઓ થયા કરે છે.
2001નો વિનાશક ભૂકંપ પણ આ જ સ્ટેપઓવર ઝોનમાં આવ્યો હતો. જેમ ગઈકાલે મોટો ભૂકંપ આવ્યો, તેમ આ વિસ્તારમાં નાનાથી મોટા ભૂકંપ આવવાની સંભાવના યથાવત રહેશે. પરંતુ વારંવાર ભૂકંપ આવવું એક સારી બાબત છે, કારણ કે તે નિશ્ચિત સમયે ઊર્જા નીકળી જવાથી મોટા ભૂકંપની શક્યતાઓ ઓછી કરે છે. નોંધનીય છે કે કચ્છમાં ઘણા એક્ટિવ ફોલ્ટ્સ છે, અને આ બધા જ ફોલ્ટ રેસ્ટલેસ છે, એટલે કે તેઓ કદી આરામ નથી કરતા. આ ફોલ્ટ્સ ઉપર મુમેન્ટ ચાલુ હોવાના કારણે સતત ઊર્જાઓ ભેગી થતી રહે છે અને ભૂકંપની શક્યતા હંમેશા રહે છે, એટલે કે કયો ફોલ્ટ ક્યારે એક્ટિવ થાય તે નિશ્ચિત કહી શકાય નહીં.
આનો અર્થ થાય છે કે કચ્છ વિસ્તારમાંના તંત્ર અને લોકોએ હંમેશા ભૂકંપ માટે તૈયારી રાખવી જોઈએ અને ભૂકંપ આવવાના કારણે થતી નુકસાનીઓનો સામનો કરવા માટે સજ્જ રહેવું જોઈએ. ભૂકંપ કચ્છ માટે એક હકીકત છે, જેને અહીંના લોકો અને તંત્રએ સ્વીકારવું જ પડશે. ઘણી જિયોલોજીકલ સ્ટડીઝ દ્વારા કચ્છ વિસ્તારમાંના એક્ટિવ ફોલ્ટ્સ ઓળખવામાં આવ્યા છે, તેથી આ ફોલ્ટ્સની નજીક કોઈપણ વિકાસના કામ કરતી વખતે ભૂકંપપ્રૂફ બાંધકામ કરવું કે એક્ટિવ ફોલ્ટની નજીક બાંધકામ ટાળવું જોઈએ.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કચ્છના લોકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટની વારંવાર ટ્રેનિંગ આપવી જોઈએ અને ભૂકંપના મોકડ્રિલનું આયોજન કરવું જોઈએ. જેમ ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ, ઇતિહાસ, અને ભૂગોળ જેવા વિષયોના પ્રાથમિકમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષયનો પણ પ્રાથમિક શિક્ષણમાં ફરજિયાત રીતે સમાવેશ થવો જોઈએ. લોકોમાં પરિસ્થિતિનો સામનો કરવાની તાલીમ આપવાથી અને વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટના શિક્ષણ દ્વારા, તેઓ ભૂકંપ અને વિવિધ પ્રકારની હોનારતોનો સામનો કરવાની કુશળતાઓ શીખશે. આથી, ભૂકંપ જ નહીં, પરંતુ અન્ય હોનારતોમાં પણ ઓછામાં ઓછી જાનહાનિ થશે. વધુમાં, એક્ટિવ ફોલ્ટની નજીક જો ભૂકંપપ્રૂફ બાંધકામ કરવામાં આવે, તો તેનાથી ભૂકંપ દ્વારા થતી જાનહાની અને આધારભૂત ઢાંચાની નુકસાન ટાળવા શક્ય બનશે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ વિસ્તારના સંબંધિત વિષયોનો સમાવેશ કરવાની વાત કરવામાં આવી છે, અને કચ્છમાં આ પ્રકારનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ નું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે અને અગત્યનું છે