અદાણી યોગ પ્રશિક્ષક સ્મિતાકુમારીનો ચમત્કાર, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં બે વાર નામ !


અદાણી જૂથમાં યોગ પ્રશિક્ષક સ્મિતા કુમારીએ યોગની દુનિયામાં ફરી ડંકો વગાડ્યો છે. તેમણે સર્વાધિક સમય સુધી સૌથી મુશ્કેલ આસનો કરી બીજી વાર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ (GWR) માં નામ નોંધાવ્યું છે. ફેબ્રુઆરી-2025માં સ્મિતાએ ઉપવિષ્ટ કોનાસનમાં વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે 2 કલાક, 33 મિનિટ અને 37 સેકન્ડ સુધી તેમાં સ્થિર રહેવાનો રેકોર્ડ સર્જ્યો છે. અદાણી કોર્પોરેટ હાઉસ ખાતે ચેરમેન ગૌતમ અદાણીના હસ્તે સ્મિતાને આ એવોર્ડ એનાયત કરાયો હતો.
અગાઉ વર્ષ 2022માં સ્મિતાએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ (GWR) બનાવ્યો હતો. જેમાં મુશ્કેલ યોગ મુદ્રા સમકોણાસનમાં સૌથી લાંબા સમય સુધી સ્વયંને રાખવાનો હતો. સ્મિતાએ 3 કલાક, 10 મિનિટ અને 12 સેકન્ડ સુધી સમકોણાસનમાં રહેવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. સ્મિતાની આ જબરદસ્ત સફળતા પાછળ અદાણી ગ્રુપના સિનિયર યોગ પ્રશિક્ષક સાગર સોની અને કોર્પોરેટ હેલ્થકેર ટીમનો સંપૂર્ણ સહયોગ અને માર્ગદર્શન હતું. ‘અમે કરીને બતાવીએ છીએ’ એ ફિલસૂફીને અનુસરીને સ્મિતા માત્ર એક રેકોર્ડથી સંતુષ્ટ ન થઈ. 6 મહિના સુધી ઉપવિષ્ઠ કોણાસનનો અભ્યાસ કર્યા બાદ સ્મિતાને મળેલું પરિણામ આજે આપણી સામે છે. 17 ફેબ્રુઆરીના રોજ, સ્મિતાએ ફરી એક વાર ઇતિહાસનું પુનરાવર્તન કર્યું હતું. આ સિદ્ધિ તેની સખત તાલીમ, સમર્પણ અને ક્યારેય હાર ન માનવાના મક્કમ નિર્ધારનું પરિણામ છે. ઉપવિષ્ટ કોનાસનમાં, વ્યક્તિનું ઉપરનું શરીર, બંને હાથ, બંને પગ, ખભા રોકાયેલા હોય છે. આ યોગમુદ્રાને લાંબા સમય સુધી જાળવી રાખવી પડકારજનક અને ખૂબ જ પીડાદાયક છે. જેમ જેમ શરીર આગળ ઝૂકે છે, થોડા સમય પછી તે જ મુદ્રામાં રહેવું ખૂબ મુશ્કેલ હોય છે”. સ્મિતા સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી પ્રેક્ટિસ ચાલુ રાખતી હતી. નિષ્ણાતોના મતે સૌથી મુશ્કેલ યોગાસનોમાંનાં એક ઉપવિષ્ટ કોણાસનની મુદ્રામાં થોડી મિનિટો માટે રહેવું પણ ખૂબ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં સ્મિતાએ હિંમત કરીને સર્વાધિક સમય ગાળ્યો તે બિરદાવવા યોગ્ય છે. ક્યારેક વ્યક્તિની મહેનત અને દૃઢ નિશ્ચય તેને એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં પહોંચવું એક સ્વપ્ન સમાન હોય છે. સ્મિતાએ પણ કંઈક આવું જ કરી બતાવ્યુ છે.