દિવ્યાંગજનો માટે સૌપ્રથમ વખત તૈયાર કરાયેલી નાગરિક સંરક્ષણ તાલીમની બ્રેઈલ લિપિ પુસ્તિકાઓનું જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના હસ્તે વિમોચન

        આજરોજ તા. ૩૦ એપ્રિલના દિવસે કચ્છ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટરશ્રી ધવલ પંડ્યા અને નાગરિક સંરક્ષણ કચેરી, ભુજ દ્વારા શ્રી લાલજીભાઈ પ્રજાપતિ, જનરલ સેક્રેટરી, શ્રી હિમાંશુ સોમપુરા, સેક્રેટરી, શ્રી હરજીભાઈ લાછાણી, ટ્રસ્ટી તથા શ્રી ખીમજીભાઈ વેકરીયા, ટ્રસ્ટીશ્રીના સહકારથી નવજીવન અંધજન મંડળ, માધાપર ખાતે અંદાજે ૧૩૮ જેટલા દિવ્યાંગ બાળકો અને કર્મચારીઓને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી.‌

દિવ્યાંગ લોકો માટેની આ તાલીમ યોજવા માટે નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા તેઓના તાલીમ મોડ્યુલ્સ જેમાં નાગરિક સંરક્ષણ દળ વિશે પ્રાથમિક માહિતી, પ્રાથમિક સારવાર વિશે, ફાયર અને સેફ્ટી તેમજ ૧૦૮ ઈમરજન્સી હેલ્પલાઇન અને અભયમ મહિલા હેલ્પલાઇન વિશે માહિતી દર્શાવતા મોડ્યુલને શ્રી હિમાંશુ સોમપુરાના સહયોગથી બ્રેઇલ લિપિમાં તૈયાર કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બધિર બાળકો માટે સુશ્રી રમાબેન કોરિયા અને સુશ્રી ભક્તિબેન ત્રિવેદી દ્વારા સાઇન લેંગ્વેજથી તાલીમના તમામ મોડ્યુલની સમજણ આપી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

        આ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિયંત્રકશ્રી આનંદ પટેલ, (આઈ.એ.એસ.) એ આ પ્રકારની દિવ્યાંગ લોકો માટે તાલીમની પહેલને બિરદાવી હતી અને તેમજ દરેક સંવેદનશીલ જૂથના લોકો આ પ્રાથમિક તાલીમ મેળવે તે જરૂરી છે, એમ ભારપૂર્વક જણાવ્યું હતું. સૌપ્રથમ વખત બ્રેઈલ લિપિની મદદથી દિવ્યાંગજનોને નાગરિક સંરક્ષણ તાલીમને જિલ્લા કલેક્ટરશ્રીએ આનંદ પટેલે એ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત ગણાવી હતી. બ્રેઈલ લિપિના માધ્યમથી તાલીમ આપવાનો આ પ્રયાસ દિવ્યાંગજનો માટે આપદાની સ્થિતિમાં જીવનરક્ષક સાબિત થશે એમ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.‌ જિલ્લા કલેક્ટરશ્રીએ આ બ્રેઈલ લિપિના નાગરિક સંરક્ષણ તાલીમ મોડ્યુલ ગુજરાત રાજ્યકક્ષાએ અને ભાષાંતર થયા બાદ દેશના અન્ય તમામ રાજ્યોમાં રહેતા દિવ્યાંગજનો માટે પણ મદદરૂપ થશે એમ ઉમેર્યું હતું.

આ ઉપરાંત, જિલ્લા કલેક્ટરશ્રીએ નવચેતન અંધજન મંડળ સંસ્થાની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની કામગીરી પ્રસંશનીય ગણાવી હતી.

        ભુજ નાગરિક સંરક્ષણ કચેરીના નાયબ‌ નિયંત્રક અને એડિશનલ કલેક્ટરશ્રી ધવલ પંડ્યાએ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કરવા બદલ  જિલ્લા કલેક્ટરશ્રીનો આભાર માનીને આ પ્રકારની તાલીમો કચ્છના અન્ય સ્થળોએ આયોજિત થાય અને દરેક સંવેદનશીલ જૂથ માટે તાલીમ સુગમ્ય બને એવી લાગણી વ્યક્ત કરી હતી. શ્રી ધવલ પંડ્યાએ વધુમાં ઉમેર્યું હતું કે, કોઈપણ વ્યક્તિ શારીરિક ખામી હોવાના લીધે નાગરિક સંરક્ષણ તાલીમથી વંચિત ના રહે એ દિશામાં બ્રેઈલ લિપિ નાગરિક સંરક્ષણ તાલીમ મોડ્યુલ ખૂબ જ ઉપયોગી બનશે.

        વર્ષ ૨૦૧૧ના સેન્સસ મુજબ કચ્છ જિલ્લાની કુલ વસ્તીના ૨.૪૫ % એટલે કે, કુલ ૫૧,૨૧૭ લોકો દિવ્યાંગ છે. જ્યારે ગુજરાતમાં કુલ વસ્તીના ૧.૮૧% એટલે કે ૧૦,૯૨,૩૦૨ લોકો દિવ્યાંગ છે. જે કુદરતી અથવા માનવસર્જિત હોનારત સમયે સૌથી સંવેદનશીલ જૂથ માનવામાં આવે છે. જે તમામને સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ મળી રહે તે પ્રકારના પ્રયત્નોના ભાગરૂપે આજે બ્રેઈલ લિપિના સ્વરૂપે મોડ્યુલના વિકાસથી પાયાની શરૂઆત કચ્છ જિલ્લા નાગરિક સંરક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે સમગ્ર દેશમાં દિવ્યાંગ માટે ઉપલબ્ધ બની શકશે અને દિવ્યાંગો‌ માટે નાગરિક સંરક્ષણ તાલીમ સરળ બનશે.

        ચીફ વોર્ડનશ્રી ચિરાગભાઈ ભટ્ટ દ્વારા નાગરિક સંરક્ષણની સ્થાપના, મહત્વ અને તેની ૧૨ સેવાઓ, કુદરતી અને માનવસર્જિત આપત્તિઓના સમયે કઈ રીતે કામ કરવું તે અંગે જાણકારી અપાઈ હતી.‌ વોર્ડન સુશ્રી મીરાબેન સાવલિયા અને રોહિતભાઈ ઠક્કર દ્વારા પ્રાથમિક સારવાર જેવી કે, દાઝી જવું, પડી જવું, હાર્ટ એટેક સમયે કુત્રિમ શ્વાસોશ્વાસ (CPR) વગેરે બાબતે વિસ્તૃત થિયરી અને પ્રેકટીક્લ દ્વારા જાણકારી આપીને દિવ્યાંગજનોને માહિતીગાર કરાયા હતા.‌ ભુજ ફાયર ડીપાર્ટમેન્ટના ફાયરમેનશ્રી કમલેશભાઈ મતિયા અને તેમની ટીમ દ્વારા ફાયર સેફ્ટી અંગેની થિયરી તાલીમ અને ડેમોસ્ટ્રેશનથી પ્રેક્ટિકલ આગના સમયે રાહત બચાવની તાલીમ આપવામાં આવી હતી.‌

        આ સાથે ઇમરજન્સી સમયે ૧૦૮ હેલ્પલાઇનના ઉપયોગ તથા એમ્બ્યૂલન્સમાં ઉપલબ્ધ સાધનોની જાણકારી દિવ્યાંગ વિદ્યાર્થીઓને આપવા ઈએમટીશ્રી પ્રદ્યુમ્નભાઈ અને જિજ્ઞાસાબેન સાથે દિલિપસિંહ ઉપસ્થિત રહ્યા હતા. અભયમના એક્ઝિક્યુટિવ સુશ્રી જોનીબેન ગામિત દ્વારા મહિલા હેલ્પલાઇન વિશે જાણકારી આપવામાં આવી હતી.‌

         આ પ્રસંગે સંસ્થાના સેક્રેટરીશ્રી હિમાંશુભાઈ સોમપુરાએ જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકોની સાથે દિવ્યાંગજનોને પણ નાગરિક સંરક્ષણની તાલીમ આપવી ખૂબ જ આવશ્યક હતી. આજે જિલ્લા નાગરિક સંરક્ષણ કચ્છ અને નવચેતન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે બ્રેઈલ લિપિ તૈયાર થઈ જવાથી દિવ્યાંગો તેનો અભ્યાસ કરીને તાલીમ મેળવી શકે છે. બ્રેઈલ લિપિના વિકાસ અને સંસ્થાને સહયોગ માટે શ્રી હિમાંશુભાઈએ જિલ્લા કલેક્ટરશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

         બ્રેઈલ લિપિની સાથે વાંચન કરતા કરતાં તાલીમ મેળવનારા ભુજના રહેવાસી અને નવચેતન અંધજન મંડળ માધાપર ખાતેની સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થિની લુહાર રોઝિના જણાવે છે કે, નાગરિક સંરક્ષણની તાલીમ હું બ્રેઈલ લિપિમાં વાંચતા વાંચતા સરળતાથી મેળવી શકી છું. આ તાલીમમાં ખાસ એ વાત હતી કે અમારા માટે વિશેષ બ્રેઈલ લિપિમાં કન્વર્ટ કરીને તાલીમના પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિની રોઝિનાએ આગ, ભૂકંપ કે હાર્ટ એટેક આવે ત્યારે શું કરવું જોઈએ આ બધી વિગતો વિગતવાર બ્રેઈલ લિપિથી વાંચી સમજીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

        પ્રથમવાર બ્રેઈલ લિપિના વાંચન સાથે નાગરિક સંરક્ષણ તાલીમ મળી તે વાતની ખુશી વ્યક્ત કરતા ભચાઉના દ્રષ્ટિહીન વિદ્યાર્થી આયર વિષ્ણુએ જણાવ્યું કે, કચ્છમાં આચંકાઓ અને ભૂકંપ જેવી આપદાઓનો ભય રહેલો છે. આથી મેં આજે બ્રેઈલ લિપિના માધ્યમથી વાંચીને અને નાગરિક સંરક્ષણ કચેરીના નિષ્ણાંત વોર્ડન દ્વારા તાલીમ મેળવી તે મને ભૂકંપ જેવી આપદાના સમયમાં સ્વરક્ષણ માટે ખૂબ જ મદદરૂપ બનશે. આ પ્રકારની તાલીમના આયોજન બદલ દિવ્યાંગ વિદ્યાર્થીશ્રી આયર વિષ્ણુએ કંઈક નવું શીખવા મળ્યું એ વાતની ખુશી વ્યક્ત કરી હતી.

 દિવ્યાંગજનોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ કચ્છની સંસ્થા એટલે શ્રી નવચેતન અંધજન મંડળ, માધાપર

        વર્ષ ૧૯૭૬માં પ્રજ્ઞાચક્ષુશ્રી લાલજીભાઈ એમ. પ્રજાપતિ દ્વારા સ્થાપિત શ્રી નવચેતન અંધજન મંડળ દિવ્યાંગજનો માટે શિક્ષણ, તાલીમ, રોજગાર, સ્વાસ્થ્ય  અને રમતગમત ક્ષેત્રે અનેકવિધ સેવાઓ આપે છે. ભચાઉ ખાતે પ્રજ્ઞાચક્ષુ અને બિન દિવ્યાંગ લોકો માટે વૃદ્ધાશ્રમ અને માધાપર ખાતે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  શાળાઓ, કુમાર અને કન્યા છાત્રાલયો, લાયબ્રેરી, માનસિક શક્તિ સંવર્ધન કેન્દ્ર અને ફિઝિયોથેરોપી સેન્ટર કાર્યરત છે. અહીં ૩૦૦થી વધુ દિવ્યાંગ અને બિનદિવ્યાંગ વિદ્યાર્થીઓ આધુનિક ટેક્નોલોજીથી ધોરણ ૧થી ૧૨ સુધી શિક્ષણની ઉત્તમ‌ સુવિધા ઉપલબ્ધ છે.‌

        માધાપર ખાતે દિવ્યાંગ કન્યાઓ માટે સંચાલિત કન્યા પ્રાથમિક શાળા અને છાત્રાલય કાર્યરત છે.‌ જ્યાં ૧૦૦ થી વધુ બાલિકાઓ નિવાસ સાથે અભ્યાસ કરી રહી છે.‌ વ્યાવસાયિક તાલીમ માટે ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર અને ગ્રામ્ય વિસ્તારોમાં સેવા માટે લાકડીયા ખાતે કેન્દ્ર પણ કાર્યરત છે. નવચેતન સંસ્થા ૪૪ વિશિષ્ટ શિક્ષકો દ્વારા કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં ૩૭૦૦થી વધુ દિવ્યાંગ બાળકો સુધી શિક્ષણ અને સહાય પહોંચાડે છે. સાથે સાથે સંસ્થાએ રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધારવામાં સફળતા મેળવી છે. સંસ્થાને રાષ્ટ્રપતિ પારિતોષિક સહિત અનેક રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારો પ્રાપ્ત થયા છે. નાગરિક સંરક્ષણ કચેરી ભુજ કચ્છ એ નવચેતન અંધજન મંડળના સહયોગથી તમામ દિવ્યાંગજનો જીવનરક્ષક નાગરિક સંરક્ષણ તાલીમ મેળવે એ માટે પ્રતિબદ્ધ છે.

કચ્છ નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા વર્ષ ૨૦૨૫મા ૭૪૦૦થી વધુ લોકોને નાગરિક સંરક્ષણ તાલીમ અપાઈ

ભારતમાં નાગરિક સંરક્ષણ ધારો સને ૧૯૬૮માં સંસદે લાગુ પાડ્યો જે અંતર્ગત ભારત દેશમાં કુલ – ૨૨૫ જેટલા ટાઉનમાં નાગરિક સંરક્ષણની કચેરીઓ કાર્યરત છે. જે પૈકી ગુજરાતમાં હાલ કુલ – ૧૪ ટાઉનમાં નાગરિક સંરક્ષણ દળ કાર્ય કરી રહ્યું છે. જે અન્વયે કચ્છ જિલ્લામાં ભુજ, ગાંધીધામ અને નલીયા ખાતે નાગરિક સંરક્ષણની કચેરીઓ આવેલી છે. 

નાગરિક સંરક્ષણ કચેરી, કચ્છ દ્વારા વર્ષ – ૨૦૨૫માં કચ્છ જિલ્લામાં વિવિધ સ્કૂલ, કોલેજ, એન.જી.ઓ. અને અગરીયાઓને પ્રાથમિક તાલીમ આપવામાં આવી. જેમાં ૨૭ જેટલા વર્ગોનું આયોજન કરીને કુલ – ૭૪૦૪ જેટલા તાલીમાર્થીઓને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવાની કામગીરી કરવામાં આવી છે તેમ નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટરશ્રી ધવલ પંડ્યા દ્વારા જણાવાયું છે.