કચ્છ જીલ્લા ભાજપ દ્વારા ભુજ ખાતે બાબાસાહેબ આંબેડકર યુવા સન્માન સંમેલન યોજાયું


કેન્દ્ર અને ગુજરાત સરકારે સંવિધાનના જનક એવા ડો. બાબસાહેબ આંબેડકરના જીવન ચરિત્રને સદાય અમરત્વ બક્ષ્યું છે તેવો વિચાર અને એકરાર ભુજ ખાતે જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલી ડો. બાબાસાહેબ આંબેડકર યુવા સન્માન સંમેલનમાં ઉપસ્થિત યુવા કાર્યકરો સમક્ષ વ્યક્ત કરી તેમના કાર્યોને બિરદાવ્યા હતા.
ભુજ ખાતે ડો. આંબેડકરજીના સન્માન માટે ખાસ યોજાયેલ આ યુવા સન્માન સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશથી ખાસ પધારેલ મોરબી જીલ્લા ભાજપ પ્રભારી ડો. હિતેશભાઈ ચૌધરીએ આજના પ્રસંગનું ઔચિત્ય વિશેષ હોવાનું કહી, ડો. બાબાસાહેબ આંબેડકરના દેશના બંધારણ ઘડતરમાં અમૂલ્ય યોગદાનને દેશ ક્યારેય ન ભૂલી શકે તેવું કહ્યું હતું. તેમણે આ કાર્યક્રમ દ્વારા પ્રબુદ્ધ નાગરિકો તેમના ચરિત્રને સદાય યાદ કરશે તેવું કહ્યું હતું. વધુમાં તેમણે ડો. આંબેડકારજીના પ્રેરણાત્મક જીવન વિશે વાત કરી હતી. તેમણે આજના કાર્યક્રમને યથોચિત ગણાવી દેશના ઘડતરના પાયારૂપી અમર નેતાઓ પૈકી ડો. આંબેડકરજીના પ્રબુદ્ધ વ્યક્તિત્વમાંથી અવિરત શીખ મળતી હોવાનું કહ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત યુવા કાર્યકરોનું સ્વાગત કરતાં જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે ડો. બાબાસાહેબના દેશના બંધારણ પરત્વેના પ્રદાનને યાદ કરી ગુજરાત સરકાર હરહંમેશ તેમનું યથોચિત સન્માન કરવા અગ્રેસર રહી છે તેવું કહીને આ અભિયાન અન્વયે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા અનેકવિધ કાર્યક્રમો અંગેની માહિતી આપી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ભારતના બંધારણ થકી જ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી બની શકી છે તેનું શ્રેય ડો. આંબેડકરને આપ્યું હતું. ડો. બાબાસાહેબના દેશ પ્રત્યેના ઋણને યાદ કરી તેમને મહામાનવ ગણાવ્યા હતા.
વધુમાં તેમણે ડો. આંબેડકરના જીવનકવનની વાતો કરી તેમના જીવન ઉપરથી પ્રેરણા મળતી હોવાનું કહ્યું હતું. તેમણે દેશના મજબુત બંધારણના પાયામાં આપેલ અનેરા યોગદાનને પણ યાદ કર્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુવભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડો. બાબસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જીલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જીલ્લા ભાજપ મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, કેડીસીસી બેન્કના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, સમગ્ર અભિયાનના જીલ્લાના સહ ઈન્ચાર્જ જયંતભાઈ માધાપરીયા, વસંતભાઈ કોડરાણી, અશોકભાઈ હાથી સહિત જીલ્લા ભાજપના હોદેદારો તેમજ અપેક્ષિત શ્રેણીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીલ્લા યુવા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાએ જ્યારે આભારવિધિ જીલ્લા યુવા ભાજપ અધ્યક્ષ તાપસભાઈ શાહે કરી હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઈન્ચાર્જ ચેતનભાઈ કતીરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.
