*કચ્છ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી ફળજીભાઈ ચૌધરીનું જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉષ્માભેર અભિવાદન કરાયું*

*પ્રભારી તરીકે નિયુક્તિ થયા બાદ પ્રથમ વખત કચ્છ પધારેલ પ્રભારીશ્રી સાથે કચ્છ જીલ્લા ભાજપની એક પરિચય બેઠક યોજાઈ*
તાજેતરમાં જ કચ્છ જીલ્લા ભાજપના સંગઠન પ્રભારી તરીકે નિયુક્ત થયા બાદ આજરોજ સૌ પ્રથમ વખત કચ્છ પધારેલ ફળજીભાઈ ચૌધરીનું જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓની સાથે જીલ્લા ભાજપના અગ્રણીઓની એક વિશેષ પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી ચૌધરીએ તેમની સામાજીક અને સેવાકીય કારકિર્દીનો પ્રારંભ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે કરીને વર્ષ 1988 થી 1990 સુધી વિધાર્થી કાળમાં પાલનપુર શહેર એબીવીપીના નગર મંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. ત્યારબાદ વર્ષ 1998 થી 2002 સુધી સુરત જીલ્લા ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારીનું ખૂબ જુસ્સાભેર વહન કર્યું હતું. વર્ષ 2006 માં અને ત્યાર બાદ પુનઃ 2017 માં પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી તરીકે વરાયા હતા. વર્ષ 2021 થી આજદિન પર્યંત એક જૂઝારુ કિસાન નેતા તરીકે શ્રી ચૌધરી ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાની રાષ્ટ્રીય કારોબારીમાં સ્થાન શોભાવી રહ્યા છે સાથોસાથ દિવ, દમણ અને સેલવાસના કિસાન મોરચા પ્રભારી તરીકે પણ ઉત્કૃષ્ટ જવાબદારી નિભાવી રહ્યા છે.
બેઠકના પ્રારંભે આજના અતિથિવિશેષ એવા નવનિયુક્ત પ્રભારી શ્રી ચૌધરીનું અદકેરું સન્માન જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર અને ભીમજીભાઇ જોધાણી સહિતના અગ્રણીઓ દ્વારા કરાયું હતું.
આ અવસરે સન્માનનો પ્રતિભાવ પાઠવતા ફળજીભાઈએ જણાવ્યું હતું કે સેવા અને રાષ્ટ્રવાદના વિચારને લઈને આગળ વધતા લોકોનો સમૂહ એટલે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન. સંગઠન એ ભારતીય જનતા પાર્ટીની મુખ્ય કરોડરજ્જુ છે જેના આધારે આજે આ પાર્ટી વિશ્વની સૌથી વિરાટ રાજકીય પાર્ટી બની છે. પદ કે કીર્તિની લેશમાત્ર પરવા કર્યા વિના માત્ર એક વિચારધારાને આધીન સંગઠનમાં કામ કરતા લાખો કાર્યકર્તાઓ એ ભાજપની મુખ્ય શક્તિ અને ઉર્જા છે.
જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે કાર્યકર્તાએ ભાજપ માટે પ્રાણ છે અને સંગઠન પ્રાણવાયુ છે. સેંકડો કાર્યકરોમાંથી જ્યારે જે તે જવાબદારી માટે વ્યક્તિગત ધોરણે કોઈની પસંદગી કરવામાં આવી છે ત્યારે પાર્ટીએ એમના પર મુકેલા વિશ્વાસને સાર્થક કરીને પદ અને પક્ષની ગરિમા સંપૂર્ણપણે જાળવીને આગળ વધવું એ પાર્ટીની પરંપર રહી છે. વધુમાં શ્રી વરચંદે જણાવ્યું હતું કે ફળજીભાઈ જેવા કિસાન નેતા કચ્છને પ્રભારી તરીકે મળતાં જીલ્લાની સંગઠનશક્તિમાં ચોક્કસપણે વધારો થશે.
આ બેઠકમાં જિલ્લા ભાજપના હોદેદારો, મંડળ પ્રભારી-.સહ પ્રભારીશ્રીઓ, જિલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયુ હતું.