જિલ્લા ભાજપ દ્વારા વક્ફ સુધારા જનજાગરણ અભિયાન કાર્યશાળાનું આયોજન કરાયું


કચ્છ જિલ્લા ભાજપ દ્વારા કચ્છ કમલમ ખાતે પણ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના અધ્યક્ષ સ્થાને વક્ફ કાયદામાં સુધારણા બાબતે સત્ય હકીકત જણાવવા તેમજ સમજ આપવા સમગ્ર દેશમાં ભાજપ દ્વારા ચાલી રહેલ જનજાગરણ અભિયાન અંતર્ગત લઘુમતી મોરચાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય અને વંદે માતરમના ગાન બાદ સ્વાગત પ્રવચન પ્રદેશ લઘુમતી મોરચાના ખજાનચી અકબરભાઈ રાઉમાએ કરતા જણાવ્યું હતું કે વકફ અંગે પ્રવર્તી રહેલી ભ્રમણાઓ અને ગેરમાન્યતાઓ દૂર કરવાની આપણા શિરે મોટી જવાબદારી છે.
જિલ્લા લઘુમતી મોરચાના અધ્યક્ષ આમદભાઈ જતે જણાવ્યું હતું કે વક્ફ કાયદામાં સુધારો ગરીબોના કલ્યાણ અને ભ્રષ્ટ વહીવટદારોને દૂર કરવા માટે કરવામાં આવ્યો છે જેથી કરીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારને આ કાયદાના અમલમાં સાથ સહકાર આપવા સૌને અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે કચ્છમાં પણ 1200 થી વધારે વક્ફની મિલ્કતો હોવાનું અને તેમાંથી માત્ર 8 ટકા મિલ્કતોનો જ હિસાબ જાહેર કરવામાં આવતો હોવાની જાણકારી પણ આપી હતી.
વક્ફ સુધારા જનજાગરણ અભિયાનના જિલ્લા ઇન્ચાર્જ હિતેષભાઇ ખંડોરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે વક્ફ સુધારા હેઠળના જે નિયમો બનાવામાં આવ્યા છે તે લોકોના હિત માટે અને ભ્રષ્ટાચાર ખતમ થાય તે પ્રકારના છે. ગરીબોનો હક ગરીબોને જ મળે તે રીતના સુધારા આ કાયદા હેઠળ કરવામાં આવ્યા છે તેમજ મોદી સરકારમાં લઘુમતીઓનો બહુસ્તરીય વિકાસ થયો છે અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના સુખદ લાભો પણ લઘુમતી સમુદાયને મળ્યા હોવાનું જણાવ્યું હતું.
જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે વક્ફ કાયદા વિશે બોલતા જણાવ્યું હતું કે વક્ફ સુધારણા કાયદો એ ગરીબ મુસ્લિમોના વિકાસ માટે અને પોતાના અંગત હિત માટે વક્ફનો ફાયદો લેતા ભ્રષ્ટાચારીઓને દૂર કરવા માટે છે. વિશેષમાં શ્રી વરચંદે ઉમેર્યું હતું કે દેશમાં મુસ્લિમ સમાજમાં વક્ફ સુધારણા અંગે જે ભ્રમ ફેલાવામાં આવી રહ્યો છે તે માટે આપ સૌ આગેવાનોને આ દિશામાં યોગ્ય સમજ આપવા સમગ્ર દેશમાં આવી કાર્યશાળાઓ યોજીને વક્ફ વિશે સચોટ માહિતી અને સમજ આપવામાં આવી રહી છે જેથી આ વાસ્તવિક સત્યતા મુસ્લીમ બીરાદરોને સમજાવવું એ આપણી સૌની નૈતિક ફરજ છે.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જીલ્લા લઘુમતી મોરચા મહામંત્રી મામદશા શેખ તેમજ લઘુમતી મોરચાના જિલ્લા તેમજ મંડલ સ્તરના આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન અભિયાનના સહ ઇન્ચાર્જ જયદીપસિંહ જાડેજાએ તેમજ આભારવિધિ જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી ગુલામભાઈ બારાચે કરી હોવાનું ક્ચ્છ જિલ્લા ભાજપ મીડિયા સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરા અને અનવરભાઈ નોડેની યાદીમાં જણાવાયું હતું.
