ડ્રાઇવરનું કામ કરીને પરિવાર ચલાવતા રવાપરના હુસેન રમજાન ભજીરનું સારણ ગાંઠનું ઓપરેશન નિ:શુલ્ક થઇ જતાં ચિંતાનો આવ્યો અંત


કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકોના આરોગ્યને લઇને ચિંતિત છે. ત્યારે આયુષ્યમાન કાર્ડ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દેશના લોકોને સૌથી મોટી ભેટ છે. ગરીબ – મધ્યમવર્ગના લોકોની આરોગ્ય ખર્ચને લઇને જિંદગીની સૌથી મોટી ચિંતા આયુષ્યમાન કાર્ડ દૂર કરી દીધી છે. સામાન્યથી ગંભીર બીમારીમાં લાખોના ખર્ચ સામે લાભાર્થીઓને એક રૂપિયાનો ખર્ચ પણ કરવો પડતો નથી. આ યોજના થકી અનેક લાભાર્થીઓના જીવનમાં ફરી ખુશીની લહેર ફેલાઇ છે. આવા જ એક નખત્રાણા તાલુકાના રવાપરના લાભાર્થી છે ૬૫ વર્ષના હુસેન રમજાન ભજીર. જેને સારણ ગાંઠની ભારે પીડામાંથી આયુષ્યમાન કાર્ડે મુક્તિ અપાવી છે.
ડ્રાઇવરનું કામ કરીને માસિક સામાન્ય આવક મેળવી પરિવારનું પાલન પોષણ કરતા હુસેન ભજીરને અચાનક પેટમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલમાં તપાસ કરાવતા સારણ ગાંઠ હોવાનું નિદાન થયું હતું. ડોક્ટરે તત્કાલ ઓપરેશન કરાવવું પડશે તેવું જણાવીને રૂા. ૫૦ થી ૬૦ હજારનો ખર્ચ થશે તે જણાવ્યો હતો. પરંતુ નાનકડી આવકમાંથી ઘરખર્ચ માંડ કાઢી શકતા હુસેનભાઇ પાસે નાણા ન હોવાથી તેણે ઓપરેશન કરવાનું માંડી વાળ્યું. જેના પરીણામે દિવસે દિવસે દર્દ વધતું ચાલ્યું, એક સમય એવો આવ્યો કે, સામાન્ય ઉધરસ આવે તો પણ સારણગાંઠના કારણે દુ:ખાવો ઉપડી આવતા ડ્રાઇવિંગ કરતા કરતા ગાડીને સાઇડમાં ઉભી રાખીને આરામ કરવાની ફરજ પડતી હતી. દિવસે દિવસે પરિસ્થિતિ વધુ ખરાબ થતી હતી તે સમયે ગામના એક આગેવાન દ્વારા એક પણ રૂપિયાના ખર્ચ વગર આયુષ્યમાન કાર્ડ મારફતે નિ:શુલ્ક ઓપરેશન થઇ જશે તે વિશે માહિતી આપવામાં આવતા વયોવૃધ્ધ હૂસેનભાઇના જીવને હાશકારો થયો. પીડામાં કણસતા રહેતા પતિને હવે જલ્દી આ પીડામાંથી છૂટકારો મળશે તે વાત સાંભળીને તેમની પત્નિ ફાતમાબાઇના જીવમાં પણ જીવ આવ્યો. હુસૈનભાઇએ તત્કાલ આયુષ્યમાન કાર્ડ બનાવ્યું અને માંડવી ખાતેની હોસ્પિટલમાં સંપૂર્ણ નિ:શુલ્ક ઓપરેશન કરાવ્યું. આજે તેઓ સ્વસ્થતા સાથે ફરી ડ્રાઇવરનું કામ કરતા થયા છે. તેઓ જણાવે છે કે, ડ્રાઇવરનું કામ કરીને હું અને મારી પત્નિ માંડ અમારું ગુજરાન ચલાવીએ છીએ. તે વચ્ચે અચાનક ૫૦ થી ૬૦નો ખર્ચ કરવાની વાત આવતા મે તો ઓપરેશન ન કરાવવાનું મન બનાવી લીધું હતું. કારણે, નજીવી આવકના પગારમાં હું આટલા નાણા કયાંથી ભેગા કરી શકું !! જેના કારણે કેટલાય મહિના મે ભયંકર પીડામાં કાઢ્યા, પરંતુ વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રીની આ યોજના કારણે મારા જેવા ગરીબને મદદ મળતા હું આ બીમારીમાંથી મુક્ત થઇ શક્યો. એક પૈસાના ખર્ચ વગર ફરી હું સામાન્ય જીવન વ્યતિત કરી રહ્યો છું. સરકારશ્રીનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે, અમારા જેવા અનેક ગરીબોનો બેલી આયુષ્યમાન કાર્ડ બન્યો છે.
જિજ્ઞા વરસાણી
