પાકિસ્તાન સામેના યુદ્ધ સ્થિતિમાં કચ્છી લેવા પટેલ સમાજની હોસ્પિટલ સૈનિકો અને નાગરિકો માટે તત્પર

પ્રતિશ્રી,

આદરણીય જિલ્લા સમાહર્તા સાહેબશ્રી,

જિલ્લા સેવા સદન ભુજ, કચ્છ.

બાબત: પાકિસ્તાન સામેના યુદ્ધ સ્થિતિમાં કચ્છી લેવા પટેલ સમાજની હોસ્પિટલોમાં સૈનિકો અને કચ્છના આમ નાગરિકો માટેની તૈયારી અંગે જાણ થવા બાબત.

આદરણીય સાહેબશ્રી,

સાદર પ્રણામ

જય ભારત સાથે જણાવવાનું કે ગત તા. ૨૨/૦૪/૨૦૨૫ ના રોજ પહેલગામમાં દેશ-વિદેશના પ્રવાસીઓ ઉપર નાપાક પ્રેરિત આતંકવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકોને નિર્દયતાથી મારી નાખવામાં આવેલ. આ ઘટનાને અમારી સંસ્થા સખત શબ્દોમાં વખોડે છે અને મૃત્યુ પામેલા નાગરિકો પ્રત્યે સંવેદના સાથે શ્રધ્ધા સુમન અર્પણ કરે છે તેમજ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.

આ નાપાક પ્રેરિત કૃત્ય બાદ દેશ ભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ભારત સરકાર પણ આ ઘટના બાદ આતંકવાદીઓ સામે અને આતંકવાદી પ્રવૃત્તિને પોસનારા સામે અનેક પગલાઓ લઇ રહી છે. જેમાં ગત રાત્રે ઓપરેશન “સિંદૂર” સાથે ભારતીય જાંબાજ સૈનિકોએ કરેલ કાર્યવાહીથી સમગ્ર હિન્દુસ્તાનીઓ ગૌરવ અનુભવવા સાથે કોઈ પણ સંજોગોમાં બલિદાનની ભાવના સાથે દેશ સાથે ઊભા છે. ભારત સરકાર અને આપણી સેનાની ત્રણે પાંખ દ્વારા પાકિસ્તાનની અંદર જઈને કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈક કરીને આંતકવાદીઓને અને તેને પોષનારા તત્વો સામે કડક સંદેશ આપીને આકરા પગલાં ભર્યાં છે જે ખુબ ખુબ અભિનંદનને પાત્ર છે.

આવનારા સમયની સંભવિત પરિસ્થિતિ જોતા યુદ્ધની સંભાવના નકારી શકાય એમ નથી. સંભવિત યુદ્ધની જો સ્થિતિ ઊભી થાય તો આપણી સંસ્થા શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ પ્રેરિત અને શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન & મેડીકલ ટ્રસ્ટ ભુજ સંચાલિત MMPJ હોસ્પિટલ (લેવા પટેલ હોસ્પિટલ) અને કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જે બંન્ને મળીને કુલ ૪૦૦ બેડની હોસ્પિટલ ધરાવે છે. જેમાં જો જરૂરત ઊભી થાય તો ઘાયલ સૈનિકો અને ઘાયલ કચ્છની આમ જનતાની અહીં થઈ શકતી તમામ સર્જરી કે સારવાર તદ્દન નિશુલ્ક કરવાની વિનમ્રતા પ્રગટ કરે છે તેમજ આ સમય દરમ્યાન ૫૦ બેડ રીઝર્વ રાખવામાં આવશે એવો નિર્ણય સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. આ કાર્ય માટે શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજના માધ્યમે દેશ-વિદેશના અનેક દાતાઓ પણ પોતાનો આર્થિક યોગદાન આપવાની તૈયારી બતાવીને રાષ્ટ્રપ્રેમ અને વતનપ્રેમ વિનમ્ર ભાવે પ્રગટ કરી આ સંસ્થાને બળ પૂરું પાડયું છે આવા તમામ શ્રેષ્ઠીવર્ય દાતાઓને પણ ખુબ ખુબ અભિનંદન છે.

ગુજરાત અને કચ્છનું વહીવટી તંત્ર અને કચ્છના લોકો પણ હંમેશાની જેમ ભારતીય સેના સાથે છે તે સાથે દેશ વિદેશ વસતા હમવતનીઓ પણ રાષ્ટ્ર ભાવના સાથે મજબૂત રીતે આગળ ઊભા છે. સમગ્ર ભારતની સાથે સરહદી કચ્છ જિલ્લામાં તમામ લોકોના હૃદયમાં દેશદાઝ જુદી જુદી રીતે પ્રગટ છે આ સામૂહિક રાષ્ટ્ર ભાવ કચ્છી લેવા પટેલ સમાજ પણ આ સાથે પ્રગટ કરે છે ૧૯૭૧ ના યુદ્ધમાં જે રીતે કચ્છી કણબી વીરાંગનાઓએ રનવે રિપેર કર્યો જે ભાવથી ૧૯૯૯ કારગિલ યુદ્ધ વખતે પટેલ ચોવીસીના કિસાનોએ સરહદે સૈનિકો માટે પાણીની લાઈન પાથરવા શ્રમદાન કર્યું એ જ ભાવનાથી આજે પણ આ મુશ્કેલ સમયમાં કચ્છી લેવા પટેલ સમાજના દેશવિદેશના તમામ જ્ઞાતિજનો દેશ સાથે અડીખમ ઊભા રહી ભારતમાતાની સેવા કરવા તત્પર છે.

બેલજીરામજી પ્રમુખશ્રી

શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ

અધ્યક્ષશ્રી

શ્રી કચ્છી લેવા પટેલ

એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ ભુજ