શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કચ્છના મુન્દ્રા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી

15 AUGUST MUNDRA 2026 PHOTOS (1)

સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી નિમિત્તે પ્રાસંગિક ઉદ્બોધન કરતા પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ  મુન્દ્રાની ધરતી પરથી ભારતની આઝાદીમાં યોગદાન આપનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને સત્ સત્ નમન કરતા જણાવ્યું હતું કે, અનેક સંઘર્ષો બાદ મળેલી મહામૂલી આઝાદીને જાળવવી દરેક નાગરિકની ફરજ છે. પ્રભારીમંત્રીશ્રીએ નાગરિકોને “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના સંકલ્પથી અખંડ ભારતની કલ્પનાને સાકાર કરવા કટિબદ્ધ બનવા હાકલ કરી હતી.
        કચ્છ જિલ્લાની વિકાસયાત્રાનો શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આપીને પ્રભારીમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૨૦૦૧ના ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીના દૂરંદેશી વિચારને પરિણામે આજ કચ્છનો વિકાસની નવી પાંખો મળી છે.  નર્મદાના પાણી આવવાથી આ વિસ્તાર હરિયાળો બન્યો છે. ખેતીથી લઈને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છ આજે પ્રવાસનથી લઈને ઔદ્યોગિક ક્ષેત્રે અવ્વલ બન્યું છે. રણોત્સવ, પતંગોત્સવ જેવા ઉત્સવો તથા ધાર્મિક સ્થળોના વિકાસથી કચ્છ જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે વિકાસ થયો છે સાથે રોજગારી વધી છે.
        રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કચ્છ વિશ્વને નવી દિશા આપશે તેમ જણાવતા પ્રભારીમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીના દિલમાં વસતા કચ્છનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો છે, કંડલા અને મુન્દ્રા બંદરોનો વિકાસ, કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ, હવાઈમાર્ગે – રેલમાર્ગની સુદ્રઢ કનેક્ટિવિટી, શૈક્ષણિક, કૃષિ, રોજગારી ક્ષેત્રે થયેલા ઐતિહાસિક કામોનો પ્રભારીમંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો.

         પ્રભારીમંત્રીશ્રીએ વધુમાં કચ્છ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધતા વ્યક્ત કરતા નાગરિકોને કચ્છની વિકાસની યાત્રા સાથે “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત” બનાવવા હાકલ કરતા સૌ નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.

        આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.‌ આ પ્રસંગે મંત્રીશ્રી સહિત મહાનુભાવોએ જિલ્લાની વિવિધ સ્કૂલના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા.  આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ મુન્દ્રા તાલુકાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક એનાયત કર્યો હતો.

          વિશિષ્ટ સેવા બદલ કર્મયોગીઓ, મહિલા અને બાળવિભાગ, વનવિભાગ, પશુપાલન તથા આરોગ્ય કર્મચારીઓ તથા રમતવીરોનું મહાનુભાવોના વરદહસ્તે મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી સહિત મહાનુભાવોએ  ગ્રાઉન્ડ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.

        આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રભાબેન હુણ,  ધારાસભ્યશ્રી સર્વ અનિરુદ્ધભાઈ દવે, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી કેશુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, મુન્દ્રા એએસપીશ્રી ગૌતમ વિવેકાનંદન, નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ કોટડીયા, અધિક કલેક્ટરશ્રી પ્રણવ વિઠાણી સહિત પદાધિકારીશ્રીઓ,  જિલ્લા અને તાલુકા ઉચ્ચ અધિકારીશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.