ગુજરાતની શાન એવા ગરબા મેદસ્વિતા મુક્તિ માટે છે શ્રેષ્ઠ કસરત


એ હાલો….’ આવો સાદ પડે, ગરબા સંભળાય કે દરેક ગુજરાતીઓ ના પગ થીરકવા માંડે છે સાચું ને….! ગરબા, ડાન્સ આ બધું જ આપણે શોખ અને ભરપૂર ઉત્સાહ સાથે કરતાં હોઈએ છીએ. રોજિંદી વ્યસ્ત જિંદગીમાં આજે પોતાના માટે સમય કાઢવો એટલે સૌથી મુશ્કેલ કામ છે ત્યારે મેદસ્વિતાથી પીડાતાં આજના દરેક વર્ગના લોકો માટે ગરબા યોગ, ઝુમ્બા ડાન્સ આ એક અલગ પદ્ધતિ છે જેનાથી મેદસ્વિતામાંથી મુક્ત થઈ શકાય છે. તો ચાલો તમે પણ થઈ જાઓ તૈયાર…. ડાન્સની સાથે ગરબા અને યોગ વિશે વૈશાલીબેન પાસેથી જાણી ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનમાં જોડાવા…..
કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં છેલ્લા ૨૫ વર્ષથી ગરબા અને ડાન્સ ક્લાસ ચલાવતા વૈશાલીબેન જેઠી જાની જણાવે છે કે, આજની વ્યસ્ત જિંદગીમાં લોકોને નિયમિતપણે વહેલા ઊઠવું, કસરત કરવી આ બધું મુશ્કેલ લાગે છે. આજનો બદલાતો ખોરાક અને આળસના કારણે માનવી શારીરિક અને માનસિક સમસ્યાઓથી પીડાય રહ્યો છે. નિયમિત રૂપે યોગ કરવા, વોકિંગ કરવું, ફાસ્ટફૂડથી દૂર રહેવું આજના યુવાનો અને બાળકોને આ આભ જેવડી મુશ્કેલી લાગે છે. ત્યારે ગરબા,યોગ અને ડાન્સની મદદથી આરામથી પોતાનું વજન ઘટાડી દરેક મહિલાઓ, યુવાનો અને બાળકો મેદસ્વિતાથી મુક્ત બની શકે છે. મિત્રો, ગરબા રમતા રમતા પણ કસરત થઈ શકે છે. મેદસ્વિતા દૂર કરવા માટે આપણા ગરબા ઉપયોગી છે.
વધુમાં તેઓ જણાવે છે કે, ગરબા રમતી વખતે અને ડાન્સ કરતી વખતે યોગની અનેક મુદ્રાઓ સાથે લયબદ્ધ થતી શ્વાસોચ્છવાસની ક્રિયા થકી શરીરમાં લોહીનું ભ્રમણ સારી રીતે થાય છે અને વધારાની ચરબી પણ ઘટાડી શકાય છે. હાલમાં જ્યારે ઘણા લોકો માનસિક તણાવ સામે ઝઝુમી અનેક રોગનો ભોગ બની રહ્યા છે. ત્યારે આપણે યોગ અને પ્રાણાયામના માધ્યમથી શારીરિક અને માનસિક રીતે જાગૃત બની, હેપ્પી હોર્મોન્સ એક્ટિવ કરવા સાથે સ્વસ્થ રહીએ.
વૈશાલીબેન ઉમેરે છે કે, ગરબા, ડાન્સ એ લોકોનો મનગમતો વિષય છે. જ્યારે આપણે આપણી પસંદગીનું કામ કરીએ છીએ ત્યારે તેનું પરિણામ પણ સારું આવે છે. આજ રીતે આપણે માનસિક શાંતિ અનુભવી શકીએ છીએ. હાલ ઘણી એવી મહિલાઓ છે જે ગરબા કે ડાન્સ ક્લાસમાં મેદસ્વિતાથી મુક્ત થવા ઉપરાંત પોતાની માનસિક શાંતિ માટે જોડાય છે. જેમાં મુશ્કેલ લાગતી કસરતો પણ મિત્ર વર્તુળ સાથે હસતાં રમતાં કરીને ખરા અર્થમાં સ્વાસ્થ્યની સંભાળ લઈ રહી છે.
મેદસ્વિતાથી પિડાતા લોકોને મારો અનુરોધ છે કે, જ્યારે રાજ્ય સરકાર મેદસ્વિતા મુક્ત અભિયાન ચલાવી રહી છે ત્યારે આપણે પણ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનીએ. ગરબા, એરોબિક્સ, ઝુમ્બા, હિપહોપ્સ જેવા ડાન્સના વિવિધ પ્રકારો સાથે જોડાઈને સ્વસ્થ ગુજરાતનો ભાગ બનીએ.
– જિજ્ઞા પાણખાણિયા
