જખૌના હજારો માછીમારો માટે જીવન-જળતરો: માછીમારી પ્રતિબંધ હટાવવાની માંગ ઉઠી

કચ્છના જખૌ બંદર પર હાલ માછીમારી પર પ્રતિબંધ હોવાથી, એક ગંભીર આર્થિક સંકટની સ્થિતિ ઊભી થઈ છે. સરકારના તાજેતરના આદેશ અનુસાર, જખૌ, નારાયણ સરોવર અને લખપત જેવા માછીમારી કેન્દ્રો પર 7 મે 2025થી માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જેના પગલે હજારો માછીમારોનો આજીવિકા સ્ત્રોત અટકી ગયો છે.

જખૌ મધ્યે સર્વોદય મત્સ્યોદ્યોગ સેવા સહકારી મંડળીના મંત્રી મામદ મુસા વાઘેરે મુખ્ય સચિવશ્રી, મત્સ્યોદ્યોગ વિભાગના કમિશ્નરશ્રી અને કચ્છ કલેક્ટરશ્રીને પ્રેરણાદાયક અપીલ મોકલી છે. તેઓએ જણાવ્યું કે, “જખૌ ખાતે આશરે 10,000થી વધુ માછીમારો પોતાના પરિવારની જીવીકા માટે દરિયામાં ઉતરે છે. 1,400 જેટલી બોટો અને 12,000થી વધુ શ્રમજીવી આ વ્યવસાય સાથે જોડાયેલા છે. અચાનક લાદવામાં આવેલા પ્રતિબંધથી તેમના જીવનધોરણ પર ગંભીર અસર પડી છે.”

અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રતિબંધના કારણે માછીમારોને હવે પોતાની રોજગાર અને આવકના એકમાત્ર સ્ત્રોતથી વંચિત થવું પડી રહ્યું છે. તેઓ ન માત્ર આર્થિક મુશ્કેલીમાં છે, પણ ઘણા માછીમાર પરિવારો માટે ભોજન અને દૈનિક જરૂરિયાતો પૂરી પાડવામાં પણ અસમર્થ બન્યા છે.

મંડળી દ્વારા સરકાર સમક્ષ વિનંતી કરવામાં આવી છે કે માછીમારોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને પ્રતિબંધના આદેશ પર પુનઃવિચારણા કરી જખૌ બંદર ખાતે માછીમારી પરના પ્રતિબંધને હટાવવાનો નિર્ણય લેવામાં આવે.
“આમ કરવાથી હજારો પરિવારોને નવા જીવતાર મળે,” એમ સર્વોદય મત્સ્યોદ્યોગ સેવા સહકારી મંડળી, જખૌ ના મંત્રીશ્રી મામદ મુસા વાઘેરે સરકાર સમક્ષ રજૂઆત માં જણાવ્યું છે.