જન્મજાત નાક બ્લોકેજની સમસ્યાને કારણે એક એક શ્વાસ લેવા ઝઝુમતી મિરઝાપરની અસ્મિતાને પીડામાંથી મળી મુક્તિ

અસ્મિતા જન્મી ત્યારે જ નાકની ખામી હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. શ્વાસ લે તો પણ સીટી જેવો અવાજ આવે અને ઘણીવાર તો નાક બ્લોક થઇ જતાં મોઢાથી શ્વાસ લેવો પડે તેવી પરિસ્થિતિ સર્જાતી હતી. પાંચ બહેનોમાં સૌથી મોટી અસ્મિતાને નાનપણમાં ખાનગી દવાખાનામાં તપાસ કરતા નાકમાં હાડકું વધતું હોવાથી નાક બંધ થઇ જવાની સમસ્યા ઉભી થતી હોવાનું નિદાન કરતા ડોકટરોએ જણાવ્યું હતું કે, દીકરી ૧૬ વર્ષની થાય પછી જ આ ઓપરેશન કરી શકાય. પરંતુ અસ્મિતા ૧૮ વર્ષની થઇ ગઇ છતાં પરિવાર ઓપરેશન કરાવવા સક્ષમ ન હોવાથી અસ્મિતાને એક એક શ્વાસ લેવો પણ દુષ્કર બની ગયો હતો. ત્યારે આ પીડામાંથી અસ્મિતા ચારણને મુક્તિ અપાવવા માટે સરકારની આયુષ્યમાન કાર્ડ યોજના અક્સીર સાબિત થઇ  છે

ભુજ તાલુકાના મિરઝાપર ગામની ૧૮ વર્ષની અસ્મિતા મોહનલાલ ચારણ જણાવે છે કે, હું નાની હતી ત્યારથી જ મને નાક બ્લોક થઇ જવાની સમસ્યા થતી હતી. શિયાળામાં તો હું શ્વાસ જ ન લઇ શકું તે પરિસ્થિતિ ઉભી થતી હતી. રાત્રે મારા માટે ઊંઘવું એક અગ્નિપરીક્ષા જેવું હતું. રાતે ઠંડક થતાં જ મારું નાક બંધ થઇ જતું હોવાથી મારા માટે મીઠી નીંદર માણવી તો એક સપના સમાન બની ગયું હતું. નાનપણથી અનેક દવા કરવા છતાં ઓપરેશન કરાવવાથી જ રાહત મળે તેવી સ્થિતિ હતી. પરંતુ મારા પરિવારમાં મારા પિતા જ એકમાત્ર કમાનાર હોવાથી પાંચ બહેનોનો અભ્યાસનો ખર્ચ તથા પરિવારની જવાબદારીના કારણે મારું ઓપરેશનના  ખર્ચને પહોંચી વળવો પિતા માટે મુશ્કેલ હતો. અમને હજારો રૂપિયાનો ખર્ચ કરવો પોષાય એમ ન હોવાથી ઓપરેશન કરાવવાનું અમે ટાળી રહ્યા હતા. પરંતુ એક દિવસ પરિવારના એક સભ્ય દ્વારા સરકાર દ્વારા અમલી આયુષ્યમાન યોજના હેઠળ કાર્ડ કઢાવી તેના મારફતે મફત સારવાર કરાવી શકાય છે.તે અંગેની માહિતી મળતા અમે આયુષ્યમાન કાર્ડ કઢાવીને ભુજના સિવિલ હોસ્પિટલમાં તપાસ અને બાદમાં ઓપરેશન કરાવ્યું હતું. જે સફળ રહેતા હાલ હું રાહતથી શ્વાસ લઇ શકું છું અને રાત્રે આરામથી નીંદર કરી શકું છું. મારી જિંદગીના ૧૮ વર્ષ સુધી એક એક શ્વાસ લેવા માટે મને થતી પીડાનો અંતે આયુષ્યમાન કાર્ડના કારણે અંત આવ્યો છે. આ બદલ હું વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રીનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.

અસ્મિતાના પિતા મોહનલાલ જણાવે છે કે, સુથારી કામ કરીને હું પરિવારનું ગુજરાન ચલાવું છું. મારી દીકરી જન્મી ત્યારથી તે યોગ્ય શ્વાસ લઇ શકતી ન હતી. મોટી થઇ ત્યારે ઓપરેશન કરાવવાનું વિચાર્યું હતું પરંતુ મોટો પરિવાર અને તેના અન્ય ખર્ચના કારણે મારા માટે અસ્મિતાના ઓપરેશન માટે નાણા જોડવા મુશ્કેલ બની ગયા હતા. પરંતુ સરકારે મારી આ જવાબદારી વહન કરીને ખરાઅર્થમાં વાલીની ભૂમિકા અદા કરી છે. હું આ બદલ રાજ્ય સરકારનો આભાર વ્યકત કરું છું.

જિજ્ઞા વરસાણી