ચૂંટણી ઉમેદવાર, રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરો સરકારી ગેસ્ટ હાઉસ, ભવનો, સદનો, સરકીટ હાઉસ, ડાક બંગલો, રેસ્ટ હાઉસનો ઉપયોગ કરી શકશે નહીં
આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થઈ છે. જે મુજબ તા.૨૮/૦૫/૨૦૨૫ થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. કચ્છ જિલ્લામાં તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી ચાલશે. આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે. રાજ્ય ચૂંટણી આયોગ ત૨ફથી ચૂંટણીઓ દરમિયાન ચૂંટણી ઉમેદવાર, રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરો સરકારી ગેસ્ટ હાઉસ, ભવનો, સદનો, સરકીટ હાઉસ, ડાક બંગલો, રેસ્ટ હાઉસ કે કોઈ પણ ગવર્નમેન્ટ એકોમોડેશન કે કેન્દ્ર કે રાજ્ય સરકારના પબ્લિક સેક્ટર અન્ડરટેકીંગના કોઈ પણ પ્રકા૨ના એકોમોડેશનનો ચૂંટણી પ્રચાર, સભા યોજવા, પ્રેસ કોન્ફરન્સ યોજવા માટે ઉપયોગ ન કરે તે માટે તા.૧૭/૧૧/૨૦૨૧ના પત્રથી સૂચનાઓ આપવામાં આવેલી છે. આ સૂચનાઓ મુજબ આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ દ૨મિયાન ચૂંટણી ઉમેદવાર, રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરો દ્વારા ઉપરોક્ત તમામ એકોમોડેશનોના ઉપયોગ સંબંધે હુકમો કરવા જરૂરી જણાય છે.
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ – ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ તળે ફરમાવેલ છે,કે કોઈ પણ ચૂંટણી ઉમેદવાર/રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરો સરકારી ગેસ્ટહાઉસ, ભવનો, સદનો, સરકીટ હાઉસ, ડાક બંગલો, રેસ્ટ હાઉસ કે કોઈ પણ ગવર્નમેન્ટ એકોમોડેશન કે કેન્દ્ર કે રાજ્ય સરકારના પબ્લીક સેક્ટર અન્ડરટેકીંગના કોઈ પણ પ્રકા૨ના એકોમોડેશનનો ચૂંટણી પ્રચાર, સભા યોજવા, પ્રેસ કોન્ફરન્સ યોજવા માટે ઉપયોગ કરી શકશે નહીં. કોઈપણ એકોમોડેશન ફક્ત રહેવા અને જમવા માટે જ ફાળવી શકાશે. તે સિવાય આ એકોમોડેશનો કે તેના પ્રિમાઈસીસનો કોઈ ઉપયોગ થઈ શકશે નહીં. આ એકોમોડેશનોમાં ઉમેદવા૨/કાર્યકરો/સમર્થકો/રાજકીય પક્ષોના સભ્યો સામાન્ય બેઠકો પણ યોજી શકશે નહીં. જે વ્યક્તિને એકોમોડેશન ફાળવવામાં આવેલ હોય તેનું જ એક વાહન (એક કરતા વધારે વાહનોનો ઉપયોગ ક૨તા હોય તો બે થી વધુ નહીં) જે તે એકોમોડેશનના કમ્પાઉન્ડમાં રાખી શકાશે. એકોમોડેશન વધુમાં વધુ ફક્ત ૪૮ કલાક માટે જ આપી શકાશે. જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષાની (Z-સ્કેલ) અથવા તેનાથી વધુ કે તેને સમાન સિક્યોરીટી આપવામાં આવેલી હોય તેવા વ્યક્તિઓને પ્રવર્તમાન જોગવાઈઓને આધારે એકોમોડેશન આપી શકાશે. પરંતુ આ એકોમોડેશન, જો પહેલેથી ચૂંટણી સંબંધિત અધિકારીઓ કે ઓબ્ઝર્વરોને ફાળવવામાં આવેલ હશે તો તે પોલિટીકલ ફંક્શનરીને ફાળવી શકાશે નહીં.
આ જાહેરનામું સમગ્ર કચ્છ જિલ્લામાં લાગુ પડશે. આ જાહેરનામું ચૂંટણી ઉમેદવાર/રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરોને લાગુ પડશે. આ જાહેરનામાનો અમલ તા.૨૭/૬/૨૦૨૫ સુધી કરવાનો રહેશે.