ચૂંટણીલક્ષી કટઆઉટ, હોર્ડીંગ્સ, તોરણો, ધ્વજ, પતાકા વગેરે સરકારી મિલ્કત/જાહેર ઈમારત પર પ્રદર્શિત નહીં કરી શકાય
આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૨૮/૦૫/૨૦૨૫ થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. કચ્છ જિલ્લામાં તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી ચાલશે. આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવી છે.
ચૂંટણી સમય દરમિયાન ઉમેદવારો/રાજકીય પક્ષ તરફથી વિશાળ કટઆઉટ, જાહેરાત પાટીયા/બેનર વગેરે દ્વારા પૈસાની તાકાતનું આડંબર યુક્ત પ્રદર્શન ન થાય તે હેતુથી રાજ્ય ચૂંટણી આયોગે નક્કી કરેલ આચાર સંહિતા મુજબ તથા અપાયેલ વિવિધ સૂચનાઓ અનુસાર નિયમન કરવું જરૂરી હોઈ આનંદ ૫ટેલ, IAS, જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ – ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી મળેલ સત્તાની રૂએ કચ્છ જિલ્લાની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોનાં મતદાર વિસ્તારમાં ચૂંટણીલક્ષી જાહેરાત, પાટીયા, બેનર, કટઆઉટ મુકવા બાબતે નીચે મુજબના નિયમો તાત્કાલિક અમલમાં લાવવા જરૂરી હોવાથી તેના પાલન માટે હુકમ કરવામાં આવ્યો છે.
કોઈપણ ઉમેદવાર/સંસ્થા/રાજકીય પક્ષ અથવા વ્યક્તિ દ્વારા કટઆઉટ, હોર્ડીંગ્સ, તોરણો, ધ્વજ, પતાકા વગેરે કોઈપણ સરકારી મિલ્કત/જાહેર ઈમારત પર મૂકી કે પ્રદર્શિત કરી શકાશે નહીં. જે જાહેર સ્થળોને જાહેરાત, બીલ બોર્ડ અને હોર્ડીંગ્સ પ્રદર્શિત કરવા માટે નક્કી કરવામાં આવેલ હોય અને તે સ્થળો કોઈ ખાનગી એજન્સીને વ્યક્તિગત ગ્રાહકોને ફાળવવા માટે આપવામાં આવેલ હોય તેવા કિસ્સામાં તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને ચૂંટણીને લગતી જાહેરાતો પ્રદર્શિત કરવા માટે સમાન તક મળી રહે તે સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીએ સંબંધિત સત્તાધિકારીશ્રી મારફતે (જો હોય તો) સુનિશ્ચિત કરવાનું રહેશે.
ખાનગી સ્થળોમાં સ્થાનિક કાયદાઓ જ્યાં તેના માલિકની પરવાનગીથી ખાનગી જગ્યામાં દિવાલો પર લખાણ કરવાની અને પોસ્ટરો ચોંટાડવાની, પાટીયા, ઝંડા વગેરે લગાડવાની મંજુરી આપતા હોય ત્યાં ચૂંટણી લડતા ઉમેદવારોએ અથવા સંબંધિત રાજકીય પક્ષોએ મિલ્કતના માલિક પાસેથી લેખિત પરવાનગી તેમજ સંબંધીત ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. મેળવેલ લેખિત પૂર્વ પરવાનગી તથા પૂર્વ મંજૂરીની નકલ તથા મિલ્કત ધારકના નામ સરનામા અને થનાર ખર્ચ અંગેની વિગતો લેખિતમાં દિન-૩માં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને પુરી પાડવાની રહેશે અન્યથા આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ કરી શકાશે નહીં. સ્થાનિક કાયદાઓ પણ જો ખાનગી માલિકીની જગ્યામાં દિવાલો પર લખાણ કરવાની અને પોસ્ટરો ચોંટાડવાની, પાટીયા વગેરે લગાડવાની પરવાનગી ન આપતા હોય તો માલિકની પરવાનગીથી પણ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ કરી શકાશે નહી. કોઈપણ ઉમેદવાર, અન્ય સંગઠનો, વ્યક્તિઓ, કાર્યકરો, ટેકેદારો, રાજકીય પક્ષો દ્વારા ખાનગી મિલ્કતના માલિક અથવા કબજો ધરાવનારની લેખિત સ્વૈચ્છિક પૂર્વ પરવાનગી મેળવી અલ્પકાલિન અને સરળતાથી ફેરવી શકાય તેવી જાહેરાતની સામગ્રી પૈકી, ધ્વજ, ઝંડો અને બેનર્સ મૂકી શકાશે. કટ આઉટ અને હોર્ડીંગસ ખાનગી મિલ્કત પર પ્રદર્શિત કરી શકાશે નહીં. આ સંબંધે મિલ્કતના માલિક અથવા કબજો ધરાવનારની લેખિતમાં મેળવેલ સ્વૈચ્છિક પૂર્વ પરવાનગીની ફોટો કોપી ત્રણ દિવસની અંદર ચૂંટણી અધિકારીને રજૂ કરવાની રહેશે.
હોર્ડીંગ્સની સાઈઝ ૧૫ ફૂટ X ૮ ફૂટથી વધારે હોવી જોઈએ નહીં. કટઆઉટની ઊંચાઈ ૮ ફૂટથી વધતી જોઈએ નહીં. કટઆઉટ, જાહેરાત પાટીયા, બેનર્સ વિગેરે કોઈ સ્થળે મુકતા પહેલા તે અંગેની જાણ નોડલ ઓફિસરશ્રી, સબંધિત ચૂંટણી અધિકારીશ્રીને તેમજ સંબંઘિત પોલીસ અઘિક્ષકશ્રીને કરવાની રહેશે. આ અંગેનો ખર્ચ જે તે વિસ્તારમાં હોર્ડીંગ્સ/કટઆઉટ વગેરે મુકેલ હોય તદ્દાનુસાર ઉમેદવારનાં ચૂંટણી ખર્ચમાં યોગ્ય સ્થળે દર્શાવવાનો રહેશે. આ જાહેરનામાનો અમલ તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી કરવાનો રહેશે.
કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ આ નિયમોનો ભંગ કરશે તો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ૧૭૬ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.
અંજના ભટ્ટી